જે ઘર પર મા અન્નપૂર્ણાની (Annapurna) કૃપા સતત વરસતી હોય તે ઘરમાં ક્યારેય ધન-ધાન્યની ખોટ નથી વર્તાતી. એમાં પણ માગશર માસ દરમિયાન મા અન્નપૂર્ણાની આરાધનાનો સવિશેષ મહિમા છે. ખાસ કરીને સ્ત્રીઓ આ મહિનામાં માતા અન્નપૂર્ણાનું વ્રત કરે છે. તેમની પૂજા કરી આરતી કરે છે તેમજ શૃંગારની વસ્તુઓ અર્પણ કરે છે. કહે છે કે જ્યારે પૃથ્વી પર અન્નની અછત થઈ ગઈ હતી, ત્યારે માતા પાર્વતી જ અન્નની દેવી મા અન્નપૂર્ણાના રૂપમાં પ્રગટ થયા હતા અને પૃથ્વીલોક પર અન્ન ઉપલબ્ધ કરાવી તેમણે લોકોની રક્ષા કરી હતી.
મા અન્નપૂર્ણાની પૂજા અર્ચના કરીને તો તમે તેમની કૃપાને પ્રાપ્ત કરી જ શકો છો. પરંતુ, રસોઈ કરતી વખતે કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખીને પણ તમે માતાની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકો છો. ઘણીવાર લોકો સ્નાન વિના જ રસોઈ બનાવી દે છે. તો, વળી કોઈ આંગણે ભોજનની યાચના લઈ આવ્યું હોય, તો તેનો પણ અનાદર કરી બેસે છે.
પણ, શું તમને ખબર છે કે આ બધી જ બાબતો માતા અન્નપૂર્ણાને નારાજ કરી દે છે. આવો, આજે રસોડા અને રસોઈ સાથે જોડાયેલી એવી બાબતો વિશે વાત કરીએ કે જે ન માત્ર માતા અન્નપૂર્ણાને નારાજ થતાં રોકશે. સાથે જ તેમની કૃપાને પ્રાપ્ત કરાવી અન્નના ભંડાર પણ ભરેલાં રાખશે.
સરળ ઉપાયથી અન્નપૂર્ણાના આશિષ
1. રસોડામાં મા અન્નપૂર્ણાનો ફોટો રાખવો જરૂરી છે. કારણ કે દરરોજ રસોઇ બનાવતા પહેલા તેમની વિધિવત પૂજા કે દર્શન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં ક્યારેય અન્નની ખોટ નથી વર્તાતી.
2. હંમેશા રસોઇ બનાવતા પહેલા સ્નાન કરી લેવું. ત્યારબાદ રસોડા અને ગેસને સ્વચ્છ કરીને રસોઇ બનાવવાની શરૂઆત કરવી. તેમાં પણ સૌથી પહેલા મા અન્નપૂર્ણાને જ રસોઇનો ભોગ અર્પણ કરવો.
3. રસોઇ બનાવ્યા પછી 3 રોટલી અવશ્ય રહેવા દેવી. ગાય, શ્વાન અને કાગડા માટે. આ ત્રણને રોટલી જરૂરથી ખવડાવવી. એવું કરવાથી મા અન્નપૂર્ણા સદૈવ તમારા પર પ્રસન્ન રહે છે અને તેમની કૃપા તમારી પર સદાય વરસતી રહે છે.
4. ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય રસોડું કે ગેસ ન રાખવા. કારણ કે આ દિશા પિતૃઓની દિશા માનવામા આવે છે. આ દિશામાં બનાવવામા આવેલ ભોજન ઘરના લોકોની ઉંમર ઓછી કરી શકે છે અને તમને મા અન્નપૂર્ણાના આશીર્વાદ મળતા નથી.
5. રસોઇ ઘરમાં ગેસ કે ચુલો પશ્ચિમ દિશા તરફ બિલકુલ ન હોવો જોઇએ. કારણ કે આ દિશામાં બનાવવામાં આવેલ ભોજન આરોગવાથી ઘરના વ્યક્તિઓ રોગગ્રસ્ત રહે છે તેમનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી.
6. હંમેશા રસોઇ બનાવતા વખતે મા અન્નપૂર્ણાનું સ્મરણ અવશ્ય કરવું જોઇએ અને તેમને પ્રાર્થના કરો કે તેમના આશીર્વાદ સદૈવ તમારી પર રહે.
7. જો શક્ય હોય તો ઘર પર આવેલ મહેમાનને જમાડીને જ ઘરેથી વિદાય કરવા. આવું કરવાથી તમને અતિથિ સત્કારનું ફળ મળશે સાથે જ મા અન્નપૂર્ણાના આશીર્વાદ મળશે.
8. વર્ષમાં એકવાર તમારી બહેન કે દીકરીને વિદાય કરતી વખતે તેમને સાત પ્રકારનું અનાજ અવશ્ય આપો. આવું કરવાથી ન માત્ર તમારા ઘરમાં પણ તમારી બહેન દીકરીના ઘરમાં પણ અન્નની અછત નહી રહે.
9. જો તમારા ઘરના દ્વારે કોઇ ભિખારી કે નિર્ધન વ્યક્તિ આવી જાય તો તેને અવશ્ય ભોજન કરાવીને મોકલવા. આવું કરવાથી માતા અન્નપૂર્ણા અને શનિદેવ બંન્નેના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે.
10. વર્ષમાં એકવાર કોઇ ગરીબ બ્રાહ્મણને તમારા વજનના પ્રમાણમાં અનાજ અવશ્ય દાન કરવું. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધન અને ધાન્યની અછત ક્યારેય નહીં રહે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : કુંડળીના દોષોને દૂર કરી અટકેલાં કાર્યોને પૂર્ણ કરશે આ સરળ ઉપાય ! જાણો, પશુ-પક્ષીને ભોજન કરાવવાના લાભ
આ પણ વાંચો : વાસ્તુ અનુસાર, આ વસ્તુઓને ઘરમાં ખોટી રીતે ન રાખો, નુકસાન થઈ શકે છે