
ધાર્મિક નગરી વૃંદાવનમાં આવેલા સંત પ્રેમાનંદ મહારાજના કેલી કુંજ આશ્રમને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયોએ દેશ-વિદેશમાં રહેતા લાખો શ્રદ્ધાળુઓની ચિંતા વધારી દીધી છે. આ વાયરલ વીડિયોમાં સામાન્ય દિવસોમાં ભક્તોની ભારે ભીડ અને ભજન-કીર્તનથી ગુંજતો આશ્રમનો સમગ્ર પરિસર સાવ ખાલી જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આશ્રમના મુખ્ય દરવાજાની બહાર બનાવવામાં આવેલું પૂછપરછ (ઇન્ક્વાયરી) કાઉન્ટર પણ સંપૂર્ણપણે બંધ જોવા મળે છે.
આશ્રમ પરિસરમાં અચાનક છવાયેલી શાંતિ અને કેટલાક સાધકો આશ્રમ છોડીને જતા હોવાની અટકળોએ શ્રદ્ધાળુઓની ચિંતા વધારી છે. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ ભક્તોના મનમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ જાણવા માગે છે કે આખરે એવું તો શું થયું કે કેલી કુંજ આશ્રમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ? શું આશ્રમની આંતરિક વ્યવસ્થા અને દર્શન પ્રણાલીમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે પછી તેની પાછળ કોઈ બીજું કારણ છે?
સંત પ્રેમાનંદ મહારાજનાં દર્શન અને તેમની એકાંતિક વાર્તાલાપમાં ભાગ લેવા માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વૃંદાવન પહોંચે છે. આવી સ્થિતિમાં આશ્રમ પરિસર ખાલી દેખાવા અને ઇન્ક્વાયરી કાઉન્ટર બંધ હોવાના સમાચારથી ભક્તો આશ્ચર્યમાં મુકાયા છે.
જોકે, વાયરલ વીડિયોની વાસ્તવિક સ્થિતિ અને સાધકો સાથે જોડાયેલી ચર્ચાઓ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. હાલમાં આ સમગ્ર મામલે કેલી કુંજ આશ્રમના સંચાલકો તરફથી સત્તાવાર નિવેદન અથવા પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે. ત્યારબાદ જ સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.
નોંધ : આ વીડિયો સોશિયલ મીડિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે. TV9 ગુજરાતી દ્વારા આ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.