જો તમે ઊંચી કિંમતને કારણે ઈલેક્ટ્રિક કાર નથી ખરીદી રહ્યા તો ટાટા મોટર્સે મોટી રાહત આપી છે. દેશની સૌથી મોટી EV કંપનીએ Tata Nexon EVની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ કારને 3 લાખ રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે તમે ખરીદી શકો છો. આ સિવાય Tiago EV અને Punch EVની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ તમામ ઓફર્સ મર્યાદિત સમય માટે છે. કંપનીએ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રિક કારની કિંમતમાં ઘટાડો કર્યો છે.
Tata Motors એ Nexon EV, Tiago EV અને Punch EV ને 3 લાખ રૂપિયા સુધી સસ્તી કરી છે. ઇલેક્ટ્રિક કારની ધીમી માંગ વચ્ચે આ પગલું વેચાણને વેગ આપી શકે છે. મર્યાદિત સમયગાળાની ઓફર્સ હેઠળ, તમે 31 ઓક્ટોબર, 2024 સુધી ટાટાની આ ઓફર્સનો લાભ લઈ શકો છો. ટાટા મોટર્સે તાજેતરમાં પેટ્રોલ-ડીઝલ કારના ભાવમાં રૂપિયા 1.80 લાખનો ઘટાડો કર્યો છે.
Tata Nexon EVની એક્સ-શોરૂમ કિંમત હવે રૂપિયા 12.49 લાખથી રૂ.16.29 લાખની વચ્ચે છે. Nexon EVની કિંમતમાં સૌથી મોટો ઘટાડો થયો છે. વેરિઅન્ટ્સ અનુસાર, તમને સસ્તી કિંમતનો લાભ મળશે. અગાઉ Nexon EVની એક્સ-શોરૂમ કિંમત 14.49 લાખ રૂપિયાથી 19.29 લાખ રૂપિયાની વચ્ચે હતી. મતલબ કે ટોપ સ્પેક વેરિઅન્ટની કિંમતમાં 3 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે.
Tata Punch EVની એક્સ-શોરૂમ કિંમત રૂ.10.99 લાખથી રૂ.14.99 લાખ સુધીની છે. હવે આ ઇલેક્ટ્રિક કારની એક્સ-શોરૂમ કિંમત ઘટીને 9.99 લાખ રૂપિયાથી 13.79 લાખ રૂપિયા થઈ ગઈ છે. પંચ EVના બેઝ વેરિઅન્ટમાં 1 લાખ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય ટાટા મોટર્સે ટોપ સ્પેક વેરિઅન્ટમાં રૂ. 1.20 લાખનો ઘટાડો કર્યો છે.
Tata Tiago EV ખરીદવાની યોજના બનાવી રહેલા ગ્રાહકોને ટાટા મોટર્સે પણ રાહત આપી છે. આ ઇલેક્ટ્રિક કારના ટોપ-સ્પેક વેરિઅન્ટની કિંમતમાં 40,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ મોડલની એક્સ-શોરૂમ કિંમત 10.99 લાખ રૂપિયા છે. જ્યારે Tata Tiago EVનું બેઝ વેરિઅન્ટ પહેલાની જેમ 7.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)માં જ મળશે.