Mahindra Thar Rocks ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં આ વર્ષે લોન્ચ થયેલી સૌથી મોટી ગાડીઓ પૈકીની એક છે. મહિન્દ્રાએ સ્વતંત્રતા દિવસના અવસર પર નવા થાર રોક્સની કિંમત જાહેર કરી હતી. ભારતમાં થારનો એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેની ખાસિયત એ છે કે મહિન્દ્રાએ સત્તાવાર રીતે થાર રોક્સનું બુકિંગ શરૂ કર્યું નથી, પરંતુ તેનો વેઇટિંગ પિરિયડ 3 મહિના સુધી પહોંચી ગયો છે. તેના વિશાળ કદ અને શક્તિશાળી એન્જિન સાથે થાર રોક્સને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મોટાપાયે ઓફલાઈન બુકિંગને કારણે તેનો વેઇટિંગ પિરિયડ વધી ગયો છે.
દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા શહેરોમાં થાર રોક્સની ભારે માંગ છે. આ શહેરોમાં થાર રોક્સનો વેઇટિંગ પિરિયડ 2 મહિના સુધી પહોંચી ગયો છે. જ્યારે પુણે, ચેન્નાઈ, જયપુર અને અમદાવાદ જેવા શહેરોમાં 3 મહિના સુધીનો વેઇટિંગ પીરિયડ છે. એવો અંદાજ છે કે થાર રોક્સનું સત્તાવાર બુકિંગ શરૂ થતાં જ તેનો વેઇટિંગ પિરિયડ હજુ પણ વધશે.
મહિન્દ્રા થાર રોક્સનું સત્તાવાર બુકિંગ 3 ઓક્ટોબર 2024થી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા ડીલરો થાર રોક્સનું બિનસત્તાવાર રીતે 21,000 રૂપિયામાં બુકિંગ લઈ રહ્યા છે. નવી ઓફ-રોડ SUV 2.0 લિટર ટર્બો પેટ્રોલ અને 2.2 લિટર ડીઝલ એન્જિન વિકલ્પો સાથે આવે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ બંને વિકલ્પો છે.
ફીચર્સ વિશે વાત કરીએ તો, થાર રોક્સ એસયુવી 10.25 ઈંચ ઈન્ફોટેનમેન્ટ અને ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, ઓટો એસી, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, 6-વે પાવર્ડ ડ્રાઈવર સીટ અને પેનોરેમિક સનરૂફ જેવી સુવિધાઓથી સજ્જ છે. આ સિવાય 6 એરબેગ્સ, 360 ડિગ્રી કેમેરા, ઓટો-હોલ્ડ સાથે ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને લેવલ 2 એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) સંપૂર્ણ સ્યૂટ જેવી સુરક્ષા સુવિધાઓ હશે.
મહિન્દ્રા થાર રોક્સની એક્સ-શોરૂમ કિંમત 12.99 લાખ રૂપિયાથી 22.49 લાખ રૂપિયા છે. ભારતીય બજારમાં તે મારુતિ સુઝુકી જીમ્ની અને ફોર્સ ગુરખા 5-ડોર જેવી કોમ્પેક્ટ એસયુવી તેમજ હ્યુન્ડાઈ ક્રેટા અને કિયા સેલ્ટોસ સાથે સ્પર્ધા કરશે. તેની ડિલિવરી ઓક્ટોબરમાં જ શરૂ થવાની ધારણા છે.