ઓટો સેક્ટરમાં ‘મોટા પરિવર્તન’ની તૈયારી ! CAFE-3 નિયમોમાં E25 બનશે આધાર, હવે કંપનીઓ અને ગ્રાહકો પર આની શું અસર થશે?

ભારત સરકાર પર્યાવરણની જાળવણી અને વિદેશી તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહી છે. વાત એમ છે કે, વાહનોની માઈલેજ અને પ્રદૂષણ માપવા માટે E20 (20% ઇથેનોલ) ને બદલે E25 (25% ઇથેનોલ) ને આધારભૂત ઈંધણ માનવામાં આવશે.

ઓટો સેક્ટરમાં મોટા પરિવર્તનની તૈયારી ! CAFE-3 નિયમોમાં E25 બનશે આધાર, હવે કંપનીઓ અને ગ્રાહકો પર આની શું અસર થશે?
| Updated on: May 15, 2026 | 6:34 PM

ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરમાં કાર્બન ઉત્સર્જન (Carbon Emissions) ઘટાડવાની દિશામાં એક મોટો વળાંક આવવાનો છે. ઊર્જા કાર્યક્ષમતા બ્યુરો (BEE-Bureau of Energy Efficiency) ટૂંક સમયમાં કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી (CAFE-3) ના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કરવા જઈ રહી છે. BS એ સૂત્રોના હવાલેથી અહેવાલ આપ્યો છે કે, હવે મુખ્ય પાલન સમીકરણ (Compliance Equation) માટે E20 ને બદલે E25 ને ‘બેઝ ફ્યુઅલ’ એટલે કે આધારભૂત ઈંધણ તરીકે અપનાવવામાં આવશે.

શું છે નવું સમીકરણ અને કેમ બદલાયો નિર્ણય?

CAFE-3 નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય વાહન ઉત્પાદકો માટે કાર્બન ડાયોક્સાઇડ (CO2) ઉત્સર્જનની અંતિમ મર્યાદા નક્કી કરવાનો છે. અગાઉ આ ગણતરીઓ માટે E20 (20% ઇથેનોલ મિશ્રણ) ને આધાર માનવામાં આવતું હતું પરંતુ હવે સરકાર E25 (25% ઇથેનોલ મિશ્રણ) તરફ વળી રહી છે. આ ફેરફાર એટલા માટે પણ મહત્વનો છે, કારણ કે CAFE-3 નિયમો એપ્રિલ 2027 થી લાગુ થવાના છે અને આગામી પાંચ વર્ષ સુધી અમલી રહેશે.

વૈશ્વિક તણાવ અને તેલની વધતી કિંમતો

આ નીતિગત ફેરફાર પાછળનું સૌથી મોટું કારણ તાજેતરની વૈશ્વિક જીઓ-પોલિટિકલ પરિસ્થિતિઓ છે. 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન વિરૂદ્ધ ઈઝરાયેલ અને અમેરિકાની સૈન્ય કાર્યવાહી બાદ ખાડી દેશોમાંથી તેલનો પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો છે. ક્રૂડ ઓઈલની આસમાને પહોંચેલી કિંમતોએ ભારત સરકારને પેટ્રોલ પરની પોતાની નિર્ભરતા ઘટાડવા મજબૂર કરી છે. આ જ કારણ છે કે, સરકારી વિભાગો હવે ઓટો કંપનીઓ સાથે મળીને E20 થી E25 તરફ ઝડપથી આગળ વધવા પર ચર્ચા કરી રહ્યા છે.

ઓટોમોબાઈલ કંપનીઓ સામે પડકાર

સરકારનો આ નિર્ણય માત્ર પર્યાવરણ માટે જ સારો નથી પરંતુ વિદેશી હૂંડિયામણ બચાવવાની દિશામાં પણ એક મોટું પગલું છે. જો કે, વાહન ઉત્પાદક માટે આ માર્ગ એટલો સરળ નહીં હોય.

  1. એન્જિન અપગ્રેડેશન: કંપનીઓએ પોતાના એન્જિનને E25 ઈંધણને અનુરૂપ બનાવવા માટે ટેકનોલોજીમાં મોટું રોકાણ કરવું પડશે.
  2. કડક નિયમો: CAFE-3 હેઠળ જો કંપનીઓ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ ઉત્સર્જન કરશે, તો તેમના પર ભારે દંડ લાદવાની જોગવાઈ છે.
  3. સમય મર્યાદા: એપ્રિલ 2027 સુધીમાં સમગ્ર પોર્ટફોલિયોને નવા ધોરણો પર લાવવો એ એક મોટી સ્પર્ધા સમાન હશે.

ભારત હાલમાં ફ્યુઅલ સ્ટેશનો પર E20 ઈંધણ ફરજિયાત કરી ચૂક્યું છે પરંતુ યુદ્ધ અને ઊર્જા સંકટે દેશને વધુ આત્મનિર્ભર બનવાનો સંકેત આપ્યો છે.

Car ધોતા રાખો આ સાવધાની ! 5 ભાગોમાં ભૂલથી પણ ના જવા દેતા પાણી, નહીં તો થશે નુકસાન

Follow Us