
તામિલનાડુના કોઇમ્બતુરમાં આવેલી AR4 Tech કંપની આ ક્ષેત્રમાં નવી પહેલ કરી રહી છે. અહીં ઇજનેર Shivshankari TP ના નેતૃત્વ હેઠળ પેટ્રોલ વાહનોને ઇલેક્ટ્રિકમાં બદલવાનું કામ થાય છે.
આ કન્વર્ઝનથી મોટો આર્થિક ફાયદો થાય છે. એક લીટર પેટ્રોલનો ખર્ચ જ્યાં લગભગ ₹100 થાય છે, ત્યાં ઇલેક્ટ્રિક વાહન માત્ર ₹10માં 50 કિલોમીટર સુધી ચાલે છે. એટલે લાંબા ગાળે વાહનચાલકો માટે આ ખૂબ જ સસ્તો વિકલ્પ સાબિત થઈ શકે છે. હવે માત્ર ₹35,000 થી ₹40,000 ખર્ચ કરીને પેટ્રોલ સ્કૂટર અથવા બાઈકને ઇલેક્ટ્રિક વાહનમાં બદલી શકાય છે અને આ પ્રક્રિયા ફક્ત 90 મિનિટમાં પૂર્ણ થાય છે.
સરકારની સ્ક્રેપિંગ પોલિસી મુજબ જૂના અને પ્રદૂષણ ફેલાવતા વાહનોને હટાવવા જરૂરી બનશે. આવા સમયમાં નવી ઇલેક્ટ્રિક વાહન ખરીદવા કરતાં જૂના વાહનને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવું વધુ સસ્તું અને વ્યવહારુ વિકલ્પ બની શકે છે.
ભારતમાં લગભગ 23 કરોડ ટુ-વ્હીલર વાહનો છે, જેને એક સમયે બદલવા પડશે. આવી સ્થિતિમાં આ ટેકનોલોજી પરિવર્તનને ઝડપી બનાવી શકે છે. કંપની મહિલાઓને પણ આ ક્ષેત્રમાં તાલીમ આપી રહી છે, જેથી તેઓ ટેકનિકલ ક્ષેત્રમાં આગળ વધી શકે.
શિવશંકરીએ સરકાર પાસે માગ કરી છે કે જેમ નવા ઇલેક્ટ્રિક વાહનોને સબસિડી મળે છે, તેમ કન્વર્ટ કરેલા વાહનોને પણ લાભ મળવો જોઈએ.