MONEY9: શું 1 જુલાઈથી Single Use Plastic પર પ્રતિબંધ લાગુ થશે?

|

Jun 17, 2022 | 7:10 PM

1 જુલાઈ, 2022થી ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ થવાનો છે. પરંતુ આ નિર્ણયને કારણે FMCG ઉદ્યોગ, પેકેજિંગ ઉદ્યોગ અને આ કારોબાર સાથે જોડાયેલી તમામ કંપનીઓ ટેન્શનમાં આવી ગઈ છે.

MONEY9: આવતા મહિને તમે જ્યુસ કે શરબતવાળાની દુકાને કે લારીએ જશો તો શક્ય છે કે તમને પ્લાસ્ટિક (PLASTIC)ની સ્ટ્રૉ નહીં મળે. જો ઘરે મહેમાન આવવાના હશે અને બજારમાં પ્લાસ્ટિકના ગ્લાસ, પ્લેટ્સ કે ચમચીઓ લેવા જશો તો, ખાલી હાથે પાછા આવવું પડશે. આવો તમામ પ્લાસ્ટિકનો સામાન પહેલી જુલાઈથી ગાયબ થઈ શકે છે અને તેનો આધાર સરકાર (GOVERNMENT)ના નિર્ણય પર રહેલો છે. 

તમને થતું હશે કે, સરકારે વળી એવો તે કયો નિર્ણય લઈ લીધો?

તો વાત જાણે એમ છે કે, સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને સરકાર સક્રિય થઈ છે અને પહેલી જુલાઈ, 2022થી આવા તમામ પ્રકારના પ્લાસ્ટિકના સામાનના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ લાગુ થવાનો છે. એટલે કે, ફ્રૂટી, એપ્પી ફ્રીઝ જેવા ટેટ્રા પેકની સાથે આવતી પ્લાસ્ટિકની સ્ટ્રૉથી લઈને આઈસક્રીમ સ્ટીક, ડબ્બાને ઢાંકવા માટેની પાતળી ફોઈલ, પ્લાસ્ટિકની થેલી જેવી તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિક આઈટમ બજારમાંથી ગાયબ થઈ જશે. 

જો સરકાર તેના નિર્ણય પર અડગ રહેશે તો લોકો અને કંપનીઓ બંનેની મુશ્કેલી વધી જશે. લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક આઈટમ નહીં મળે, એટલે પરેશાની તો વધશે જ કારણ કે, આપણે દરરોજ ભરપૂર માત્રામાં પ્લાસ્ટિક બેગ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. 

જોકે, લોકો કરતાં વધારે ચિંતા તો કંપનીઓને છે. ફ્રૂટી, એપ્પી ફ્રીઝ જેવા પીણાં વેચતી પારલે આ નિર્ણયથી ચિંતિત છે. તો વળી, અમૂલને પણ આવી જ ચિંતા સતાવી રહી છે. અમૂલને દરરોજ 10થી 12 લાખ સ્ટ્રૉની જરૂર પડે છે અને આટલી બધી પેપર સ્ટ્રૉનો બંદોબસ્ત કરવો મુશ્કેલ છે. ડેડલાઈન નજીક છે એટલે  FMCG ઉદ્યોગ, રેસ્ટોરન્ટ માલિકો અને પેકેજિંગ ઉદ્યોગના માથે ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. 

સિંગલ યુઝ પ્લાસ્ટિકના માર્કેટનું કદ લગભગ 80,000 કરોડ રૂપિયા છે અને અંદાજે 10 હજાર જેટલાં નાના કારોબાર પણ તેની સાથે જોડાયેલા છે. એટલે કે, આ સેક્ટર મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે. દેશનાં લગભગ 3થી 4 લાખ લોકોની આજીવિકા આ સેક્ટર પર નભે છે. 

અત્યારે તો બજારમાં પ્લાસ્ટિક સ્ટ્રૉ સરળતાથી મળી જાય છે. માંગો તેટલી સ્ટ્રૉ ઉપલબ્ધ છે, પરંતુ પેપર સ્ટ્રૉની ભારોભાર અછત છે, કારણ કે તેનું ઉત્પાદન કરવાની ક્ષમતા ઓછી છે. પેપર સ્ટ્રૉની જેટલી માગ ઊભી થશે તેની સામે ક્ષમતા ઘણી ઓછી છે. એટલું જ નહીં, પ્લાસ્ટિક સ્ટ્રૉની સરખામણીએ પેપર સ્ટ્રૉની કિંમત પણ વધારે છે. 

સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે એવી પ્રોડક્ટ્સ જેનો એક વખત ઉપયોગ થઈ જાય એટલે તેને ફેંકી દેવાની. આવી પ્રોડક્ટ્સનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થાય છે, એટલે આવી પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ ભારત માટે માથાનો દુખાવો બની છે. આંકડા અનુસાર, 2019-20માં ભારતમાં 34 લાખ ટન પ્લાસ્ટિક કચરો પેદા થયો. તેના એક વર્ષ પહેલાં એટલે કે, 2018-19માં 30.59 લાખ ટન પ્લાસ્ટિક કચરો પેદા થયો હતો. આંકડા દર્શાવે છે કે, દેશમાં દરરોજ 26,000 ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે. આ પ્લાસ્ટિક કચરાનો માત્ર 60 ટકા હિસ્સો જ રિસાઈકલ થઈ શકે છે. 

પ્રદૂષણ નિયંત્રણમાં રહે તે માટે સરકારે નાછૂટકે નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ પ્લેટ, કપ, ગ્લાસ, કટલરી, ઈયરબડ્સ, સાજ-સજાવટ માટે ઉપયોગમાં લેવાતા થર્મોકોલ, સિગારેટના પેકેટ સહિતના જેટલા પણ પ્લાસ્ટિક સામાનની જાડાઈ 100 માઈક્રોન સુધીની હોય તેનું વેચાણ અને ઉપયોગ નહીં થઈ શકે. સરકારનો ઈરાદો તો 31 ડિસેમ્બર સુધીમાં 120 માઈક્રોન જાડા હોય તેવો પ્લાસ્ટિકનો સામાન પણ બજારમાંથી ગાયબ કરવાનો છે. 

જોકે, સરકારના નિર્ણયની સામે ઉદ્યોગોની માંગણી છે કે, આ ડેડલાઈન લંબાવવી જોઈએ, કારણ કે, વર્તમાન સ્થિતિ આ નિર્ણયના અમલ માટે સાનુકૂળ નથી. હશે ત્યારે, સરકાર શું નિર્ણય લેશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. પરંતુ જો સરકાર તેના નિર્ણયમાં અડગ રહેશે અને ડેડલાઈન નહીં લંબાવે તો એક વાત નક્કી છે કે, સામાન્ય જનતાથી લઈને મોટા ઉદ્યોગો ધંધે લાગી જશે.

Next Video