MONEY9: 5G સ્માર્ટફોન તો ખરીદી લીધા પણ સર્વિસ ક્યારે મળશે?

|

May 13, 2022 | 7:12 PM

ભારતમાં 5G સર્વિસ લોન્ચ થવાની વાતો ઘણા સમયથી સંભળાઈ રહી છે. પણ શા માટે આ સર્વિસ લોન્ચ થવામાં થઈ રહ્યો છે વિલંબ? શું કંપનીઓની આ સર્વિસ ગ્રાહકોને પરવડશે?

5G ફોન ખરીદ્યા પછી, જો તમે પણ 5G સર્વિસ લોન્ચ થવાની રાહ જોઈ રહ્યાં હોવ, તો તાજા સમાચાર તમને નિરાશ કરી શકે છે. કારણ કે, ટેલિકોમ (TELECOM) કંપનીઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલી લડાઈ અને ઈક્વિપમેન્ટને લઈને વ્યાપેલી ચિંતાને લીધે ભારતમાં 5G સ્પેક્ટ્રમ (SPECTRUM)નું લોન્ચિંગ ટલ્લે ચઢી ગયું છે. એટલે કે, ઓનલાઈન વીડિયો જોવામાં જેટલું બફરિંગ નથી થતું તેટલું 5Gના લોન્ચિંગમાં થઈ રહ્યું છે. 

વાત જાણે એમ છે કે, 5G સ્પેક્ટ્રમની રિઝર્વ પ્રાઈસ ઓછી રાખવા માટે ટેલિકોમ ઓપરેટર્સ તો પહેલેથી જ દબાણ કરી રહ્યાં છે અને તેના ચક્કરમાં જ લાંબા સમય સુધી ટ્રાઈએ ભલામણો અટકાવી રાખી હતી. હવે, ટ્રાઈએ લાંબા વિલંબ બાદ આખરે સ્પેક્ટ્રમ પ્રાઈસિંગની ભલામણો સોંપી દીધી છે અને બેઝ પ્રાઈસ 35થી 40 ટકા સુધી નીચી રાખી છે. સરકારને તો અપેક્ષા હતી કે, આટલો ઓછો ભાવ સાંભળીને કંપનીઓ સરકારની જય-જયકાર કરશે, પણ આવું કશું થયું નહીં. 

સેલ્યુલર ઑપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા એટલે કે COAIએ તો એમ કહ્યું કે, સ્પેક્ટ્રમની રિઝર્વ પ્રાઈસિંગમાં 90 ટકા ઘટાડો થવો જોઈએ. આ સંગઠનનું નિવેદન સ્પષ્ટ કરે છે કે, વર્તમાન ભાવ તેના ગળે ઉતરતો નથી અને કંપનીઓ ઊંચી બોલી લગાવવાના મૂડમાં પણ નથી. ધારો કે, કંપનીઓ ઊંચો ભાવ લગાવીને સ્પેક્ટ્રમ ખરીદે અને 5G લોન્ચ કરે પણ ખરી, પરંતુ કંપનીઓ સસ્તામાં સર્વિસ નહીં આપી શકે અને ગ્રાહકોને તે પરવડશે નહીં.

આમ, આ વાત હવે સરકાર માટે માથાનો દુઃખાવો બનતી જાય છે. માત્ર પ્રાઈસિંગને લઈને જ ટેલિકોમ ઓપરેટર્સના પેટમાં દુખે છે એવું નથી. તેમને વાંધો છે ટ્રાઈની બીજી એક ભલામણથી. ટ્રાઈએ એવી ભલામણ કરી છે કે, પ્રાઈવેટ 5G નેટવર્ક વિકસાવવા માટે અન્ય કંપનીઓને પણ સ્પેક્ટ્રમની ફાળવણી કરવી જોઈએ. આવી કંપનીઓમાં ટાટા કોમ્યુનિકેશન, L&T અને ટેકનોલોજી કંપનીઓનો સમાવેશ થાય છે. 

પણ ટેલિકોમ ઓપરેટર્સ કમાણીમાં ભાગબટાઈ કરવામાં માનતા નથી. તેઓ ઈચ્છતા નથી કે, 5G સ્પેક્ટ્રમની ફાળવણી પ્રાઈવેટ એન્ટરપ્રાઈઝ નેટવર્ક્સને કરવામાં આવે. ટેલિકોમ ઓપરેટર્સને તો બધી કમાણી પોતના ખિસ્સામાં નાખવી છે. બીજો કોઈ ભાગ પડાવે તે સ્વીકાર્ય નથી.

COAIના આંકડા દર્શાવે છે કે, ટેલિકોમ ઉદ્યોગની આવકમાં કંપનીઓનો હિસ્સો 30થી 40 ટકા જેટલો છે. હવે જો, અન્ય એન્ટરપ્રાઈઝિસને પણ સ્પેક્ટ્રમ મળે તો, મોંઘુદાટ સ્પેક્ટ્રમ ખરીદ્યા પછી ટેલિકોમ ઓપરેટર્સના ધંધામાં ગાબડું પડે. આથી, ટ્રાઈની ભલામણો બહાર આવતાં જ હોબાલો મચી ગયો છે.

ભારતમાં 5G ક્રાંતિ આવવાના રસ્તામાં ઘણી અડચણો છે. આવી જ એક અડચણ છે 5G ગીયર્સ એટલે કે ઈક્વિપમેન્ટ. ચાઈનીઝ કંપનીઓ માટે ભારતમાં એન્ટ્રી બંધ છે. સરકારના નિશાના પર છે હુવાવે અને ZTE જેવી સસ્તા ઈક્વિપમેન્ટ આપતી કંપનીઓ. ચીન સિવાયના દેશોની કંપનીઓના ઈક્વિપમેન્ટ મોંઘા હોય છે. એક તો, ટેલિકોમ ઓપરેટર્સ પાસે વિકલ્પો નથી અને જો નોન-ચાઈનીઝ કંપનીઓ પાસેથી ઈક્વિપમેન્ટ ખરીદવા પડે, તો આવા વેન્ડર્સની પસંદગી કરવાના નિયમો પણ સરકારે કડક બનાવ્યા છે. 

હવે, આપણે ફરી સ્પેક્ટ્રમના મુદ્દે વાત કરીએ. તો ટ્રાઈની ભલામણો મુજબ, 3,300થી 3,700 મેગાહર્ટ્ઝ બેન્ડમાં પ્રત્યેક મેગાહર્ટ્ઝ માટે ટેલિકોમ ઓપરેટરે 317 કરોડ રૂપિયા ચૂકવવા પડે. જો કોઈ કંપનીએ ભારતભરમાં સર્વિસિસ આપવી હોય તો તેની પાસે 100 મેગાહર્ટ્ઝ બેન્ડ હોવા જોઈએ અને આ ભાવે ગણીએ તો, તેણે ઓછામાં ઓછા 31,700 કરોડ પોતાના ખિસ્સામાંથી કાઢવા પડે. 

વર્ષ 2016 અને 2017ની જેમ આ વખતે પણ સરકાર સામે, 700 મેગાહર્ટ્ઝ બેન્ડ માટે બિડ મેળવવાનો પડકાર છે. એટલે કે, કંપનીઓ આ વખતે પણ કદાચ આ બેન્ડ માટે બિડ નહીં કરે. 

હજુ તો સરકારે આ બધા મુદ્દે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે, પરંતુ ટ્રાઈની ભલામણોને લઈને જ આટલો હોબાળો મચ્યો છે, તેને જોતાં તો લાગે છે કે, સરકાર માટે 5G સ્પેક્ટ્રમની મડાગાંઠ ઉકેલવાનું કામ કપરું છે અને નજીકના ભવિષ્યમાં કોઈ શક્યતા દેખાતી નથી. ત્યાં સુધી તો, તમે તમારી 5G ડિવાઈસ લઈને બેસી રહો અને તેમાં 5Gના સિગ્નલ પકડાય તેની રાહ જોવો.

Next Video