MONEY9: ગ્રાહકો, કંપનીઓ, શેરબજાર બધાને ડરાવે છે ઊંચો ઈન્ટરેસ્ટ રેટ

|

Jun 17, 2022 | 4:49 PM

વ્યાજ દર વધવાથી ઋણ મોંઘું થઈ ગયું છે અને તેનાથી ગ્રાહકોનો EMI તો વધશે જ, પણ સાથે સાથે દેવું કરવા માંગતી કંપનીઓનો વ્યાજ ખર્ચ પણ વધી જશે.

MONEY9: વ્યાજના વધતા દર (INTEREST RATE)થી ગ્રાહકોનો માસિક હપતા (EMI)નો બોજ તો વધ્યો જ છે, પણ સાથે સાથે જંગી દેવું લઈને બેઠેલી કંપનીઓની મુશ્કેલી પણ વધી રહી છે. જે કંપનીઓ નવું ઋણ લેવા માંગે છે તેમને પણ ઊંચા વ્યાજદરની બીક લાગી રહી છે, કારણ કે, વ્યાજનો બોજ વધે એટલે બેલેન્સ શીટનું બેલેન્સ પણ બગડે છે. 

શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓની બેલેન્સ શીટની ચકાસણી કરીએ તો, માલૂમ પડે છે કે, ટાટા અને અદાણી ગ્રૂપની કંપનીઓના ચોપડે બેન્કોનું સૌથી વધુ દેવું બોલે છે. એકલી ટાટા સ્ટીલના માથે જ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ જ્યારે અદાણી ગ્રીન પર 87 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. આ સિવાય વેદાંતા અને આલોક ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ પણ દેવાના ડુંગર તળે દબાયેલી છે. રેપો રેટ વધ્યો હોવાથી હવે આ તમામ દેવાદાર કંપનીઓએ વધારે વ્યાજ ચૂકવવાનો વારો આવ્યો છે. 

આમ તો, છેલ્લાં બે વર્ષથી કંપનીઓએ સસ્તા ઋણનો ભરપૂર લાભ ઉઠાવીને સારી એવી બચત કરી લીધી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર, ઋણબોજ વધ્યા પછી પણ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓને લગભગ 1 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. તેમાં બેન્ક અને ફાયનાન્સિયલ કંપનીઓ સામેલ નથી. 

આગામી દિવસોમાં વ્યાજના દર હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે, એટલે દેવું કરીને બેઠેલી કંપનીઓના પ્રૉફિટ માર્જિન સંકોચાવાનું નક્કી છે. શેરબજારમાં તો પહેલેથી જ કડાકા બોલાઈ રહ્યાં છે, ત્યાં હવે મોંઘું ઋણ શેરબજારની ચિંતા વધારી છે. 

શેર ઈન્ડિયા (share India)ના રિસર્ચ હેડ ડૉ. રવિ સિંહ કહે છે કે, બજારની અપેક્ષા મુજબ જ RBIએ રેપો રેટમાં અડધો ટકાનો વધારો કર્યો હતો, જેનાથી બેન્કિંગ અને ફાયનાન્સિયલ સેક્ટરને ફાયદો થશે પરંતુ રિયલ એસ્ટેટ અને ઑટો સેક્ટર પર નેગેટિવ અસર પડશે. 

એક અગત્યની વાત એ પણ છે કે, વ્યાજના દરમાં વધારાની તો હજુ શરૂઆત જ થઈ છે. રિઝર્વ બેન્ક મોંઘવારીને અંકુશમાં રાખવા માટે આગામી દિવસોમાં હજુ પણ વ્યાજના દર વધારે તેવી ભરપૂર શક્યતા છે. 

વાત આટલે અટકતી નથી. જે કંપનીઓ ટીવી, ફ્રીજ, મોબાઈલ, લેપટોપ વગેરે માલસામાનનું હપ્તે વેચાણ કરવા માટે ફાયનાન્સ આપે છે, તેમની સામે ગ્રાહકો મેળવવાનો પડકાર ઊભો થશે કારણ કે, ગ્રાહકો ઊંચા EMIને કારણે આવી ખરીદી કરવાથી દૂર રહેશે. જો ગ્રાહકો ખરીદી કરવાથી દૂર થશે તો, કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીઓના વેચાણમાં ઘટાડો થવાનો ભય છે. 

આવા અનેક પ્રકારના ડર હજુ તો દેખાવાનું શરૂ જ થયું છે. આશંકા છે કે, માર્ચ 2023 સુધીમાં રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં 100 બેઝિસ પોઈન્ટની વૃદ્ધિ થઈ શકે છે. જો આવું થશે તો, આપણો EMI તો વધશે જ પણ સાથે સાથે કંપનીઓની કમાણી ઘટી જશે.

Next Video