Covid Vaccine : સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 54 લાખ લોકોને અપાઈ રસી, પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસે રસી લેનારાઓની સંખ્યા ઘટી

|

Jun 23, 2021 | 9:58 AM

Covid Vaccine : 21 જૂનને સોમવારની સરખામણીએ 22 જૂનને મંગળવારે, આંધ્ર પ્રદેશમાં 34 ટકા અને બિહારમાં 29 ટકા રસી મૂકાવનારાની સંખ્યા ઘટી છે.

કેન્દ્ર સરકારે કોરોના રસીકરણ નીતિમાં, 21 જૂનને વિશ્વ યોગ દિવસથી ફેરફાર કર્યા છે. વિનામૂલ્યે સ્થળ પર નોંધણી કરાવીને રસી લેવાની જાહેર કરેલ નીતિ અંતર્ગત 22 જૂનને મંગળવારે દેશભરમાં 54 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે, કોરોનાના વાયરસનુ સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાનની ગતિ વધુ ઝડપી બનાવી છે. આમ છતા રસીકરણ મહાઅભિયાનના પ્રથમ દિવસ કરતા બીજા દિવસે રસી મૂકાવનારાઓની સંખ્યા ઓછી હતી.

21 જૂનને સોમવારે, ભારતમાં રસીકરણ ક્ષેત્રે નવો રેકોર્ડ સ્થપાયો હતો. એક જ દિવસમાં 85 લાખ લોકોએ દેશભરમાં રસી લીધી હતી. જે ચીન સિવાયના કોઈપણ દેશની સરખામણીએ, રસી લેનારાઓની આ સંખ્યા એક દિવસમાં સૌથી વધુ છે. 16 મી જાન્યુઆરી 2021એ દેશમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઈ હતી.

ગુજરાતમા રસીકરણની સ્થિતિ

ગુજરાતમાં વોક થ્રુ વેક્સિનેશનના ( walk through vaccination)ના બીજા દિવસે એટલે કે મંગળવારે 4 લાખ 53 હજાર 300 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યમાં સૌથી વધુ રસીકરણ સુરતમાં નોંધાયું હતું. સુરતમાં એક જ દિવસમાં 53 હજાર 607 લોકોએ કોરોનાની રસી લીધી હતી. એક જ દિવસમાં રસીકરણ મામલે અમદાવાદ બીજા નંબર પર રહ્યું હતું. અમદાવાદમાં એક જ દિવસમાં 52 હજાર 392 લોકોએ કોરોનાની રસી લીધી હતી.

વડોદરામાં 28 હજાર 252 નાગરિકોએ રસી લીધી હતી. રાજકોટમાં 27 હજાર 443 લોકોએ કોરોનાની રસી લીધી હતી. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,30,09,562 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.302 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વોરિયરે પહેલો ડોઝ લીધો હતો. 7215 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરએ બીજો ડોઝ લીધો હતો. 45 થી વધુ ઉમરના 67,759 નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો છે.

 

45 થી વધુ ઉમરના 50,119 નાગરિકોએ બીજો ડોઝ લીધો છે. 18-45 વર્ષ સુધીના 3,10,741 નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો છે. 18-45 વર્ષ સુધીના 17,164 નાગરિકોએ બીજા ડોઝનું રસીકરણ થયું છે.

રાજ્યમાં 22 જૂનના રોજ કોરોનાના નવા 135 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,620 થઇ છે અને મૃત્યુઆંક 10,037 થયો છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં 1, આણંદ જિલ્લામાં 1 અને જુનાગઢ શહેરમાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

રાજ્યમાં 22 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 612 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,07,424 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.15 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 5159 થયા છે, જેમાં 86 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 5073 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.

Published On - 9:16 am, Wed, 23 June 21

Next Video