એવું કહેવાય છે કે પુરુષની સફળતામાં સ્ત્રીનો બહુ મોટો ફાળો હોય છે. એક સ્ત્રી પોતાના પરિવારની ખુશી માટે ન જાણે કેટલા બલિદાન આપે છે. એટલું જ નહીં, આજના સમયમાં મહિલાઓએ પોતાની જાતને ખૂબ જ સશક્ત બનાવી છે. મહિલાઓ તેમના ઘરની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને ચાલી રહી છે. સાથે જ તે ઘર અને કાર્યસ્થળ બંનેની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે. આવી જ એક મહિલાની વાત આજે કરવાના છીએ.
ન માત્ર રાજકારણમાં આવીને પરંતુ નાનપણથી ગેનીબેનનો સ્વભાવ ધાકડ છે. દબંગ નારી ગેનીબેન ખોટો દેખાડો નથી કરતા, નાનપણથી જ જે વાસ્તવિક્તા છે તે બોલવાની આદત છે. ખોટો દેખાડો કરી શક્તા નથી અને દરેક પરિસ્થિતિમાં સાચું બોલવાની આદત, ન્યાયની લડાઈ માટે ક્યારેક દબંગગાઈ કરવી પડે છે. ગેનીબેન ખોટુ સહન નથી કરતા અને પોતાની વાત ઉપર અડગ રહે છે એટલે જ લોકો તેમના કડક સ્વભાવને જાણે છે.
ગેનીબેને મહિલાઓના હિતમાં અનેક પગલાં ભર્યા છે. મહિલા કઈ રીતે સધ્ધર બને, પોતે કઈ રીતે સ્વનિર્ભર, લડાયક બને અને ખોટુ સહન ન કરે, પોતે પોતાના નિર્ણયો લઈ શકે હમેશાં તેવા અનેક પ્રયત્નો કર્યા છે. મહિલાએ કોઈની નીચે દબાવવું ન પડે, આત્મનિર્ભર બને તે જરૂરી છે.
રિપોર્ટસ મુજબ ગુજરાતમાં અન્ય સમાજની સરખામણીએ ઠાકોર સમાજની દીકરીઓમાં ઉચ્ચ શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો વધારે છે જે ચિંતાની બાબત છે. ઠાકોર સમાજની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ નથી મેળવી શક્તી જેના અનેક કારણો છે. ગેનીબેનનું કહેવું છે કે અન્ય સમાજની સરખામણીએ ઠાકોર સમાજ આર્થિક રીતે સધ્ધર નથી, જેથી દીકરીઓને આગળ ભણાવવા માટે જોઈએ એટલી વ્યવસ્થા મળી શકતી નથી. બીજુ કે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે જે વાતાવરણ, દિશા જોઈએ તે નથી મળતું.
અસામાજિક તત્વો ઉપર પ્રહાર કરતા ગેનીબેને કહ્યું કે દીકરીઓને મોબાઈલ ન આપવો એવો કોઈ કાયદો નથી, પરંતુ મોબાઈલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી અસામાજિક તત્વો દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેમની જીંદગી ખરાબ કરતા હોય છે. આવા તત્વોથી બચવા આ પ્રકારનો નિર્ણય લીધો હોવાનું કહ્યું. તો આ તરફ વિવાદ વકરતા ગેનીબેને વાત ફેરવી અને દીકરીને ભણતર સિવાય મોબાઈન ન આપવા સુચન કર્યાનું કહ્યું.
એ વાત મહત્વની છે કે હાલમાં થોડા સમય પહેલા ધાનેરામાં આયોજીત ઠાકોર સમાજની એક સભામાં ગેનીબેન ઠાકોરે તમામ લોકો પાસે શપથ લેવડાવ્યા હતા. જેમાં દીકરીઓને મોબાઈલ ફોન ન આપવો, મોડીરાત્રે દીકરીને ઘરની બહાર ન નીકળવા દેવી જેવા અનેક વચનો સામેલ હતા. ગેનીબેનના આ નિવેદન બાદ વિવાદ વકરતા તેમને આ નિર્ણય દીકરી અને દીકરા બંને માટે લીધો હોવાનું કહીને આ વાતને ટાળી હતી.
સોનિયા ગાંધીનો જન્મ તો વિદેશમાં થયો પણ ભારતમાં આવી વસ્યા, ભારતીય સંસ્કૃતિ અપનાવી અને રાજકારણમાં ખૂબ આગળ આવ્યા એટલા માટે ગેનીબેનના મનમાં સોનિયા ગાંધી માટે કાયમ માટે અતી લાગણી, પ્રેમ અને આદર છે. ગેનીબેન સોનિયા ગાંધીને આદર્શ માને છે.