બોટાદ શહેરનાં મહાજન વાડી વિસ્તારમાં પ્રેમજીભાઈના હિરાના કારખાનામાં બે દિવસ પહેલા રોકડા સાડા ચાર લાખ રૂપિયાની ચોરી થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેથી કારખાનાના માલિક પ્રેમજીભાઈએ પોલીસને જાણ કરી હતી અને અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
બોટાદ પોલીસે ફરીયાદના પગલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરતા માલિક ફરીયાદી પ્રેમજીભાઈ સાથે કરેલી ઉંડાણપૂર્વકની વાતચીત તપાસ બાદ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
બોટાદ પોલીસની પૂછપરછમાં કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા મહેશ નામના શખ્સ પર શંકા જતા પોલીસે મહેશની ઉલટ તપાસ કરતા મહેશ ભાંગી પડયો હતો અને પોપટની જેમ પોતે ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને મહેશે જણાવ્યું હતું કે આર્થિક સંકડામણના કારણે પોતે ચોરી કર્યાની કબુલાત કરી હતી.
આ ચોરીની કબૂલાતના પગલે બોટાદ પોલીસે આરોપી મહેશના ઘરે તપાસ કરતા ચોરીના રોકડ રૂપિયા ચાર લાખ પંચાવન હજાર મળી આવતા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ બોટાદ પોલીસે બે દિવસ પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી મુદ્દામાલ રીકવર કર્યો હોવાનું બોટાદ ડિવાયેસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: બોટાદ વીડિયો: બાઈકમા પેટ્રોલ ભરાવતી વખતે લાગી આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં
(Input Credit: Brijesh Sakariya)