MONEY9: વાહનોના ભાવમાં ચાલી રહેલી મોંઘવારીને બ્રેક વાગશે?

|

Jun 29, 2022 | 7:42 PM

સ્ટીલના ભાવ ઘટવા છતાં ઓટો કંપનીઓ ગ્રાહકોને તેનો લાભ આપે છે કે નહીં તે નક્કી નથી પરંતુ મોનસૂન અને ફેસ્ટિવલ સેલમાં ગ્રાહક તગડાં ડિસ્કાઉન્ટની આશા રાખી શકે છે.

MONEY9: સ્ટીલ સસ્તું થયા બાદ શું કાર, બાઈક અને સ્કૂટરના ભાવ પણ ઘટશે? ઘટવા જ જોઈએ, કારણ કે, ઑટો કંપનીઓએ ભાવ વધારતી વખતે તો એવી દલીલ કરી હતી કે સ્ટીલના ભાવ વધવાથી ખર્ચ વધી ગયો છે એટલે ભાવ વધાર્યા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. એક અંદાજ અનુસાર, ટુ-વ્હીલરમાં સરેરાશ 110 કિલો, કારમાં 800 કિલો અને હેવી કૉમર્શિયલ વાહનમાં 3,000 કિલો સ્ટીલનો ઉપયોગ થાય છે. 

પ્રતિબંધ બાદ ભાવ ઘટ્યા

તાજેતરમાં સ્ટીલના ભાવમાં સતત વધારો થવાથી સરકારે 22 મેના રોજ સ્ટીલની નિકાસ પર કડક નિયમો લાદ્યા હતા. આ કડક નિયમો લાગુ થયા બાદ ભાવમાં ઝડપથી ઘટાડો થયો છે. બેન્ચમાર્ક હૉટ રોલ્ડ કોયલની કિંમત એપ્રિલના પ્રારંભે 78,800 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, પરંતુ મે મહિનામાં કડક નિયમો લાગુ થવાથી જૂનમાં ભાવ ઘટીને 63,000 રૂપિયા નોંધાયો છે. 

નિષ્ણાતનો મત

નિષ્ણાતોનું માનવું છે કે ચોમાસાની સીઝનમાં માંગ ઘટવાની શક્યતા છે અને ત્યારે કિંમતોમાં વધુ ઘટાડો થઈ શકે છે. પરંતુ જ્યાં સુધી સ્ટીલનો ઉપયોગ કરનારા ઉદ્યોગો ભાવ નહીં ઘટાડે ત્યાં સુધી ગ્રાહકોને ભાવમાં ઘટાડાનો લાભ નહીં મળે. 

ગ્રાહકો પર બોજ

વાહનો સિવાય આપણી આસપાસ એવી ઘણી બધી ચીજવસ્તુઓ છે, જે સ્ટીલમાંથી બને છે. વાસણ, સ્ટીલના ડબ્બા, તિજોરી, સોય, ચમચી અને બિલ્ડિંગ મટીરિયલ્સ બધે સ્ટીલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે જો સ્ટીલના ભાવમાં ઘટાડો થશે તો આ તમામ ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવો જોઈએ, કારણ કે, સ્ટીલ મોંઘું થાય ત્યારે કંપનીઓ તેનો બોજ ગ્રાહકો પર નાખી દે છે, પરંતુ સ્ટીલ સસ્તું થાય ત્યારે ગ્રાહકોને લાભ આપતી નથી. જોકે, ઘરના બાંધકામમાં વપરાતા સ્ટીલની વાત કરીએ તો ગ્રાહકોને ઘટેલા ભાવનો લાભ અવશ્ય મળે છે. આ વખતે પણ સ્ટીલના સળિયાના ભાવમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે, કારણ કે, મે મહિનાની સરખામણીએ ભાવ 7થી 8 ટકા સુધી નીચે ગયા છે. 

વાહનો સસ્તા થશે?

જો કાર અને ટુ-વ્હીલરના ભાવની વાત કરીએ તો નિષ્ણાતોનું કહેવું છે કે, સ્ટીલના ભાવ ઘટવા છતાં ઑટો કંપનીઓ ભલે કિંમતો ઓછી ના કરે, પરંતુ વાહનોની મોંઘવારીને બ્રેક ચોક્કસપણે વાગી શકે છે અને સાથે સાથે મોનસૂન સેલ અને ફેસ્ટિવલ સેલ શરૂ થશે એટલે ડિસ્કાઉન્ટને કારણે ભાવમાં ઘટાડાનો લાભ મળી શકે છે.

Next Video