MONEY9: મોંઘા મસાલાએ બગાડ્યો રસોઇનો સ્વાદ

|

May 19, 2022 | 1:09 PM

વર્ષ દરમિયાન મસાલાની મોંઘવારી ઝડપથી વધી છે. ધાણાના ભાવ અંદાજે અઢી ગણાં વધી ગયા છે. લાલ મરચાની કિંમતમાં 50 ટકાનો ઉછાળો આવી ગયો છે.

MONEY9: અનાજ, ખાદ્યતેલ અને ગેસની મોંઘવારીથી રસોઇ પહેલાથી જ તપી રહી છે, ત્યારે હવે મોંઘા મસાલા (SPICES) પણ સ્વાદ બગાડી રહ્યાં છે. વર્ષ દરમિયાન મસાલાની મોંઘવારી ઝડપથી વધી છે. ધાણાના ભાવ અંદાજે અઢી ગણાં વધી ગયા છે. લાલ મરચાની કિંમતમાં 50 ટકાનો ઉછાળો આવી ગયો છે. જીરુ, વરિયાળી અને મેથીના ભાવમાં પણ અણધારી તેજી જોવા મળી છે. તાજેતરમાં જ જાહેર થયેલા મોંઘવારીના આંકડા પણ આ હકીકત પ્રગટ કરી રહ્યા છે. શાકભાજી અને તેલની સાથે મસાલાની મોંઘવારી (INFLATION) પણ બમણી વધી છે.

હવે સમજીએ આ તેજીનું કારણ

આ વર્ષે મોટાભાગના મસાલાનું ઉત્પાદન ગત વર્ષના મુકાબલે ઓછું રહેવાનું અનુમાન છે. જેના કારણે સપ્લાય પ્રભાવિત થવાની આશંકા છે. આ આશંકાના કારણે કિંમતો વધી રહી છે. ચાલુ વર્ષે ધાણાના ઉત્પાદનમાં અંદાજે 80 હજાર ટનના ઘટાડાનું અનુમાન છે જ્યારે જીરાનું ઉત્પાદન પણ અંદાજે 70 હજાર ટન ઘટી શકે છે. લાલ મરચું, અજમો અને નાની ઇલાયચીનું ઉત્પાદન પણ ઘટવાનો અંદાજ મૂકાયો છે.

મસાલાના ઉત્પાદનનું આ અનુમાન માર્ચમાં જાહેર થયું હતું. ત્યાં સુધી ગરમીના મારથી થયેલા નુકસાનનો અંદાજો નહોતો મુકાયો. એવી આશંકા છે કે માર્ચમાં ઉત્પાદનને લઇને જે અનુમાન જાહેર થયું હતું. પાક તેનાથી પણ ઓછો થયો છે. આ આશંકા જો સાચી સાબિત થશે તો મસાલાનો સપ્લાય હજુ પણ વધારે પ્રભાવિત થઇ શકે છે.

આ ઉપરાંત ઇમ્યુનિટી વધારવા માટે કોરોના કાળમાં ભારતીય મસાલાની માંગ દુનિયાભરમાં વધી છે. જેના કારણે ઊંચી કિંમત પર વિદેશોમાં મસાલાની નિકાસ થઇ રહી છે. આ વધેલી વિદેશી માગ મસાલાની કિંમતોને વધુ તેજી આપી રહી છે. ગત વર્ષે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન દેશમાંથી 3.1 અબજ ડૉલરના લગભગ 12 લાખ ટન મસાલાની નિકાસ થઇ છે. આ નિકાસમાં મોટાભાગની હિસ્સેદારી લાલ મરચું, જીરુ, હળદર, ધાણા અને વરિયાળીની છે. 

મસાલા એ સરકારની ઘઉં અને તેલ જેવી જરૂરિયાતવાળા લિસ્ટમાં પણ નથી આવતા. એટલે કે એવી વસ્તુઓ જેની કિંમત થોડીક પણ વધે તો સરકાર તરત એક્શનમાં આવી જાય છે. લોટ ક્યાંક વધારે મોંઘો ન થઇ જાય એટલે સરકારે ઘઉંની નિકાસ પર રોક લગાવી છે. સાથે જ ખાદ્યતેલની આયાત વધારવા માટે અનેક પ્રકારની ડ્યુટી સમાપ્ત કરી દીધી છે. પરંતુ મસાલા, જેમ કે આ લિસ્ટમાં નથી આવતા તો સરકાર તરફથી તેની કિંમતને ઘટાડવા માટે જલદી કોઇ પગલા ભરવામાં આવશે તેની શક્યતા પણ ઓછી છે. એટલે કે મસાલાની મોંઘવારી લાંબા સમય સુધી ખાવાનો સ્વાદ બગાડે તે નક્કી છે.

Next Video