આ દેશના પીએમની સાદગીએ જીતી લીધુ દિલ, 14 વર્ષ સત્તા પર રહ્યા બાદ કંઈક આ અંદાજમાં લીધી વિદાય- જુઓ Video

|

Jul 08, 2024 | 12:33 PM

હાલ બ્રિટનમાં સત્તા પરિવર્તન થયુ છે અને ઋષિ સુનકની કોન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હાર થઈ છે એવા સમયે નેધરલેન્ડમાં પણ 14 વર્ષ બાદ સત્તા પરિવર્તન થયુ છે અને નેધરલેન્ડના પીએમ માર્ક રૂટ 14 વર્ષ બાદ વિદાય લઈ રહ્યા છે તો પીએમ આવાસમાંથી નીકળતા સમયનો તેમની સાદગીનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આજકાલ નેધરલેન્ડના પીએમ માર્ક રૂટના વીડિયોની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. ત્યાંના પીએમ માર્ક રૂટનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એ સમયનો છે જ્યારે નેધરલેન્ડમાં 14 વર્ષ બાદ સત્તા પરિવર્તન થયુ છે અને તેઓ પીએમ આવાસમાંથી બહાર નીકળી રહ્યા છે એ સમયનો તેમનો સાદગીપૂર્ણ અંદાજ સહુ કોઈને સ્પર્શી રહ્યો છે. નેધરલેન્ડના પીએમ માર્ક રૂટે સત્તા પરિવર્તન થયા બાદ નવા પીએમ સાથે હાથ મિલાવ્યા. પ્રેમથી વાત કરી અને ચાવી લઈ સાયકલનું લોક ખોલ્યુ, ત્યારબાદ અત્યંત ખુશ મિજાજમાં બાય બાય કહેતા તેમની સાયકલ પર આગળ વધી ગયા.

એક વ્યક્તિ 14 વર્ષથી નેધરલેન્ડમાં સત્તા પર હતી અને સત્તા પરિવર્તન બાદ તેમનો સાદગીપૂર્ણ અંદાજ સામે આવ્યો છે તેની હાલ વિશ્વભરમાં વાહવાહી થઈ રહી છે. માર્ક રૂટ સાયકલ લઈને જ હેગસ્થિત તેમની ઓફિસ પહોંચ્યા હતા અને નવા પીએમ ડિફ શૂફને સત્તાની ચાવી સોંપી હતી. ડિફ શૂફ ભૂતકાળમાં જાસૂસી સંસ્થાના પ્રમુખ રહી ચુક્યા છે અને તેમની પાસેથી દેશને ઘણી અપેક્ષા છે. ત્યારબાદ માર્ક રૂટે PMOની અંદર ડિફ શૂફ સાથે વાતચીત કરી અને એકબીજાનું અભિવાદન સ્વીકારી સત્તાવાર સત્તાનું હસ્તાંતરણ કર્યુ હતુ.

માર્ક રૂટ સત્તા સોંપ્યા બાદ હસતા હસતા બહાર આવ્યા અને ફરી એકવાર સૌનું અભિવાદન સ્વીકારી તેમની સાયકલ લઈને ઘર તરફ નીકળી પડ્યા હતા. માર્કના આ અંદાજ તેમની આ સાદગીની હાલ વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. નેધરલેન્ડમાં કોઈ જ હોહાગોકીરા વિના થયેલુ સત્તાનું હસ્તાંતરણ હાલ પ્રશંસાનું કેન્દ્ર બન્યુ છે.

Published On - 12:32 pm, Mon, 8 July 24

Next Video