2030 માં બદલાશે ચંદ્રની જગ્યા, સમુદ્રનું જળસ્તર વધવાથી વિનાશક તોફાનોનું પ્રમાણ પણ વધશે

|

Jul 13, 2021 | 3:08 PM

સમુદ્રનું જળસ્તર, ભરતી-ઓટ વગેરે ચંદ્રની કળા સાથે જોડાયેલુ છે. જો ચંદ્ર તેની જગ્યા પરથી જરા પણ હલે છે તો તેની અસર પૃથ્વી પર પડે છે.

દુનિયાભરમાં ઋતુઓમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ચક્રવાતી તોફાનોની સંખ્યા પણ વધી ગઇ છે અને તેની ગંભીરતા પણ વધી રહી છે. ભારતમાં હાલમાં જ બે તોફાનોએ તાંડવ મચાવ્યો, પહેલો તાઉ તે અને ત્યારબાદ યાસ વાવાઝોડું. ફક્ત ભારત જ નહીં દુનિયાના મોટા ભાગના દેશોમાં પાછલા થોડા સમયથી તોફાનોની (Catastrophic Storms) સંખ્યા વધી ગઇ છે.

આપણે સૌ જાણીએ છીએ કે સમુદ્રનું જળસ્તર, ભરતી-ઓટ વગેરે ચંદ્રની કળા સાથે જોડાયેલુ છે. જો ચંદ્ર તેની જગ્યા પરથી જરા પણ હલે છે તો તેની અસર પૃથ્વી પર પડે છે. નાસાના એક સ્ટડી પ્રમાણે, આગામી સમયમાં તોફાન અને ભરતીની ઘટના વધશે. ચંદ્ર સમુદ્રની લહેરો પર અસર નાખે છે. જો તે પોતાની જગ્યા બદલે છે તો તેનાથી પૃથ્વી પરના તટીય વિસ્તારોમાં પૂરની સ્થિતી સર્જાશે.

ચંદ્ર 18.6 વર્ષમાં પોતાની જગ્યામાં થોડો બદલાવ કરે છે. નાસાના જણાવ્યા પ્રમાણે, હવે ચંદ્રના 18.6 વર્ષની આ સાઇકલનો અડધો ભાગ શરૂ થવા જઇ રહ્યો છે જેને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળશે. ચંદ્રની આ સાઇકલ 2030 માં પૂર્ણ થશે અને ત્યાં સુધીમાં ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રનું જળસ્તર વધી ચૂક્યુ હશે, પરિણામે દુનિયાના કેટલાક દેશોમાં પૂરની સમસ્યા વધી જશે.

મુંબઇમાં લગભગ દર વર્ષે આપણે હાઇટાઇડના કારણે શહેરમાં પાણી ભરાય જવાની ઘટના જોઇએ છે, બસ તેનું પ્રમાણ હજુ વધી જશે. રિપોર્ટ પ્રમાણે તેની સૌથી વધુ અસર અમેરીકા પર પડશે. કારણ કે અમેરીકામાં તટીય પર્યટન સ્થળો વધુ છે. ચંદ્રની જગ્યા બદલાવવાથી પૂરની સંખ્યા વધી જશે. આવી ઘટનાઓ મહિનામાં 10 થી 12 વાર બનવાની સંભાવના છે

એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 1880 થી લઇને હમણા સુધી સમુદ્રનું જળસ્તર 8 થી 9 ઇંચ જેટલુ વધ્યુ છે અને તેમાં પણ એક તૃતિયાંશ જેટલી ઉંચાઇ ફક્ત છેલ્લા 25 વર્ષમાં નોંધાય છે. એક અનુમાન પ્રમાણે વર્ષ 2100 સુધીમાં સમુદ્રનું જળસ્તર 12 ઇંચથી લઇને 8.2 ફૂટ વધવાની શક્યતા છે, જે પૃથ્વી અને તેના પર રહેતા સજીવો માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

Published On - 2:34 pm, Tue, 13 July 21

Next Video