MONEY9: PPF એકાઉન્ટ ખોલાવતાં પહેલાં, સમજી લો આ મહત્વની બાબતો

|

Jun 22, 2022 | 5:36 PM

શું તમે 15 વર્ષના લાંબા રોકાણ માટે તૈયાર છો? જો તમારો જવાબ હા છે, તો PPFમાં રોકાણ તમારા માટે યોગ્ય છે. જો કે તમારે આ યોજનામાં રોકાણ કરતા પહેલાં કેટલી બાબતો જાણવી જરૂરી છે.

MONEY9: સરકારે 1968માં PPF યોજના શરૂ કરી હતી. તેની પાછળનો હેતુ નાની બચત દ્વારા લોકોને રિટાયરમેન્ટ (RETIREMENT) માટે બચત કરાવવાનો હતો. PPFમાં તમારું રોકાણ (INVESTMENT) 15 વર્ષ સુધી લૉક થઈ જાય છે. આપણે શોધીએ એવા છ સવાલોના જવાબ, જે PPFના રોકાણકારોએ પૂછવા જોઈએ. 

1) PPF ખાતાની 15 વર્ષની મુદત ક્યારે પૂરી થાય?

તમે આ 15 વર્ષના ગાળાને ક્યારથી ગણતરીમાં લેશો.  માની લો કે, તમે 2018માં PPF ખાતુ ખોલાવ્યું અને પહેલું રોકાણ 16 જુલાઈ 2018એ કર્યું. તો 15 વર્ષના લૉક-ઈન પીરિયડની ગણતરી તે નાણાકીય વર્ષના અંતથી થશે, જે વર્ષે તમે ખાતુ ખોલાવ્યું હશે. એટલે કે, 2018-19. આમ, આ રોકાણ માટે ગણતરી 31 માર્ચ, 2019થી કરવામાં આવશે અને આવી રીતે, તમારા PPFની મુદત 1 એપ્રિલ 2034એ પૂરી થશે. યાદ રાખજો, PPF હંમેશા નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે એટલે કે પહેલી એપ્રિલે જ મેચ્યોર થાય છે. સામાન્ય રીતે, લોકો મેચ્યોરિટીની ગણતરી PPF ખોલાવ્યાની તારીખથી કરે છે. ટેકનીકલી રીતે, તો PPF ખાતુ 16 વર્ષે મેચ્યોર થાય છે. 

2) PPFમાં મહિનાની કોઈ પણ તારીખે પૈસા જમા કરું, તો શું ફરક પડે?

જો PPFમાં દર મહિને રોકાણ કરવાનું આયોજન હોય, તો મહિનાની પાંચ તારીખ સુધીમાં પૈસા જમા કરવા જરૂરી છે. કારણ કે, મહિનાની પાંચ તારીખના બેલેન્સ પર જ વ્યાજ મળે છે. જો 1 ઓગસ્ટે તમારા PPFમાં 20,000 રૂપિયા છે અને તમે 8 ઓગસ્ટે તેમાં 10,000 રૂપિયા જમા કરાવ્યા તો, કુલ જમા રકમ ભલે 30,000 થાય, પરંતુ ઓગસ્ટમાં વ્યાજ તો માત્ર 20,000 રૂપિયા પર જ મળશે. જો તમે આ રકમ 1થી 5 ઓગસ્ટની વચ્ચે જમા કરી હોત, તો તમને પૂરી રકમ પર વ્યાજ મળ્યું હોત. આથી, મહિનાની પાંચ તારીખ સુધીમાં પૈસા જમા કરશો તો ફાયદામાં રહેશો. 

3) શું મારા પૈસા 15 વર્ષ માટે લૉક થઈ જશે? 

ના, એવું નથી. PPFમાં પ્રિ-મેચ્યોર આંશિક ઉપાડની સુવિધા છે. ખાતુ ખોલાવ્યાના 6 વર્ષ પછી એટલે કે, સાતમા વર્ષથી પૈસા ઉપાડી શકો છો. પરંતુ પૂરી રકમ ન ઉપાડી શકો. તમે જે વર્ષે પૈસા ઉપાડો તે વર્ષની પહેલાંના 4 વર્ષના અંતે જેટલી રકમ હશે, તેનો 50 ટકા હિસ્સો અથવા PPFની કુલ રકમનો 50 ટકા હિસ્સો, આ બંનેમાંથી જે રકમ ઓછી હશે તે તમને મળશે. 

ઉદાહરણ સાથે સમજીએ, ધારો કે, તમે જાન્યુઆરી 2012માં PPF ખાતુ ખોલાવ્યું અને 2021માં બાળકના શિક્ષણ માટે PPFમાંથી પૈસા ઉપાડવા છે. તો 2021ના ચાર વર્ષ પહેલાં એટલે કે, 2018ના નાણાકીય વર્ષના અંતે જે બેલેન્સ હશે તેના 50 ટકા અથવા માર્ચ 2021ના અંતે જે બેલેન્સ હશે તેના 50 ટકા, આ બંનેમાંથી જે રકમ ઓછી હશે, તેટલા પૈસા ઉપાડી શકશો. તમે વર્ષમાં માત્ર એક વખત આવી રીતે પૈસા ઉપાડી શકો. આ રકમ ટેક્સ-ફ્રી ગણાશે અને કોઈ દંડ પણ નહીં લાગે. 

4) શું PPF પર લોન મળી શકે?

PPF એકાઉન્ટ ખોલાવ્યાના બે વર્ષ પૂરા થયા પછી અને પાંચ વર્ષ પૂરા થાય તેની પહેલાં લોન લઈ શકો છો. તમારા PPF ખાતામાં જમા થયેલી કુલ રકમના 25 ટકા લોન મળશે. PPF પર લોન લેશો, તો પહેલાં લોનની મુદ્દલ ચૂકવવી પડશે અને પછી વ્યાજની ચૂકવણી કરવાની થશે. મુદ્દલની ચુકવણી હપ્તામાં કરી શકો છો, પરંતુ લોન લીધી તે તારીખથી 36 મહિના એટલે કે 3 વર્ષની અંદર આ લોન ભરવી જરૂરી છે. 

તમને PPFમાં જે વ્યાજ મળતું હશે, તેના કરતાં 2 ટકા વધુ વ્યાજ પર લોન મળશે. વ્યાજની ચુકવણી બે મંથલી ઈન્સ્ટોલમેન્ટ અથવા ઉચ્ચક રીતે કરવી પડશે. જો તમે નિર્ધારિત સમયની અંદર લોન નહીં ભરો તો, તમારા PPF ખાતામાંથી પૈસા કપાઈ જશે. જેટલી લોન બાકી હશે, તેના પર PPFના વર્તમાન વ્યાજ કરતાં 6 ટકા વધુ વ્યાજ પણ ચુકવવું પડશે. જો રોકાણકારનું મૃત્યુ થઈ જાય તો, તેના નૉમિની અથવા વારસદારે લોનનું વ્યાજ ભરવું પડશે. 

5) શું 15 વર્ષની મેચ્યોરિટી પછી એકાઉન્ટ બંધ કરાવવું પડે?

જ્યારે તમારું PPF એકાઉન્ટ મેચ્યોર થશે ત્યારે તમને 3 વિકલ્પ મળશે – એકાઉન્ટ બંધ કરીને પૈસા ઉપાડવાનો, નવું રોકાણ કર્યા વગર એકાઉન્ટ ચાલુ રાખવાનો અને વધુ રોકાણ કરીને એકાઉન્ટ ચાલુ રાખવાનો વિકલ્પ. તમે એકાઉન્ટ અન્ય પાંચ વર્ષ માટે જ લંબાવી શકો છો. એટલે કે, 15 વર્ષ પછી તમે બીજા 5 વર્ષ સુધી ખાતુ લંબાવી શકો છો અને વ્યાજ કમાઈ શકો છો. તમે રોકાણ કરો કે ના કરો, પરંતુ 15 વર્ષની મુદત પૂરી થાય એટલે તમારે નાણાકીય સંસ્થાને જાણકારી આપવી પડશે કે તમે હવે શું કરવા માંગો છો, પૈસા ઉપાડવાની ઈચ્છા છે કે ખાતુ ચાલુ રાખવાની ઈચ્છા છે, તેની જાણકારી આપવી જરૂરી છે. 

6)  શું મેચ્યોરિટી પહેલાં PPF ખાતુ બંધ કરી શકાય?

ખાતાધારક અમુક પરિસ્થિતિમાં મેચ્યોરિટી પહેલાં PPF ખાતુ બંધ કરાવી શકે છે. ખાતુ ખોલાવો તેના પાંચ વર્ષ પછી જ તેને બંધ કરાવી શકો છો. જો ખાતાધારકને તેના માતા-પિતા, પતિ કે પત્ની અથવા પોતાના પર નિર્ભર બાળકની ગંભીર બીમારીની સારવાર માટે પૈસા જોઈતા હોય અથવા બાળકના ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની જરૂર હોય, તો PPF ખાતુ બંધ કરાવી શકાય છે. પરંતુ ખાતુ બંધ કરાવવાથી નુકસાન જશે કારણ કે, તમને મળવાપાત્ર વ્યાજ એક ટકા કપાઈ જશે. 

મની નાઈનની સલાહ 

  • PPF જેવું રોકાણ તેવા લોકો માટે યોગ્ય છે, જેઓ નાની-નાની રકમ ભેગી કરીને એક મોટું ફંડ ઊભું કરવા માંગે છે.
  • PPF તમને નિયમિતપણે રોકાણ કરવાની ટેવ પાડે છે.
  • આ યોજના સરકારી હોવાથી તેમાં રોકાયેલી રકમ પર જોખમ ઓછું છે, પરંતુ વ્યાજ દર વધવાની કોઈ ગૅરન્ટી નથી.
  • PPFમાં વ્યાજની સમીક્ષા દર 3 મહિને કરવામાં આવે છે.
Next Video