MONEY9: મોંઘવારી વધી, વ્યાજના દર પણ વધ્યા પણ સોનું ક્યારે વધશે

|

Jun 23, 2022 | 3:52 PM

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, જ્યારે મોંઘવારી વધે ત્યારે હેજિંગ માટે સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે, પરંતુ અત્યારે સમગ્ર દુનિયામાં મોંઘવારીએ માજા મૂકી છે, છતાં પણ સોનાના ભાવમાં વૃદ્ધિ થઈ નથી.

MONEY9: રિઝર્વ બેન્કે (RESERVE BANK) મે અને જૂન એમ સતત બે મહિનામાં રેપો રેટ વધાર્યો છે. અમેરિકા અને બ્રિટન જેવા વિશાળ અર્થતંત્રોમાં પણ ઋણ મોંઘું થઈ રહ્યું છે. દુનિયાભરમાં મોંઘવારી અનેક વર્ષોના ઊંચા સ્તરે પહોંચી ગઈ છે અને આવી સ્થિતિમાં સોના (GOLD)માં રોકાણને લઈને અનેક સવાલો ઊભા થયા છે. 

શું ઋણ મોંઘું થશે એટલે સોનાના ભાવ ઘટશે? કે પછી મોંઘા ઋણને કારણે સોનું પણ મોંઘું થઈ જશે? 

અમેરિકામાં જ્યારથી વ્યાજના દર વધવાનું શરૂ થયું છે ત્યારથી સોનામાં રોકાણને લઈને મૂંઝવણ પણ વધી છે. 

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, ઋણનો ખર્ચ વધે એટલે બૉન્ડ યીલ્ડ વધે. જેથી, સોનાની માંગમાં ઘટાડો થશે. સાથે સાથે, ઋણ મોંઘું થશે એટલે લિક્વિડિટી ઘટશે અને ચલણને ટેકો મળશે. ચલણ મજબૂત થવાથી કોઈ પણ કોમોડિટીના ભાવ ઘટાડવામાં મદદ મળે છે. જોકે, સોનાની વાત આવે ત્યારે આ બંને માન્યતા સાચી પુરવાર થાય તે જરૂરી નથી. જેમકે, 70ના દાયકામાં જ્યારે અમેરિકામાં વ્યાજના દર વધ્યા હતા ત્યારે સોનું પણ મોંઘું થયું હતું અને 80ના દાયકામાં ઋણ સસ્તું થયું ત્યારે સોનાના ભાવ પણ તૂટ્યા હતા. 2004થી 2006 દરમિયાન, અમેરિકામાં વ્યાજના દર 1 ટકાથી વધીને 5 ટકા થયા હતા ત્યારે સોનાના ભાવમાં 49 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ચલણની વાત કરીએ તો, અત્યારે ડૉલર ઈન્ડેક્સ લગભગ બે દાયકાની ઊંચાઈએ પહોંચી ગયો છે. આમ છતાં પણ, સોનાના ભાવ ઘટવાની જગ્યાએ વધી રહ્યાં છે. થોડા દિવસો પહેલાં જ ભાવ એક મહિનાની ટોચે પહોંચી ગયો હતો. 

અમેરિકામાં ઋણ મોંઘું થવા છતાં અને ડૉલર મજબૂત થવા છતાં, ત્યાં સોનાના વેચાણમાં જોરદાર ઊછાળો થયો છે. અમેરિકામાં સત્તાવાર રીતે સોનાના સિક્કા વેચતી કંપની યુએસ મિન્ટે મે મહિનામાં સોનાના સિક્કા બનાવીને 1.47 લાખ ઔંશ સોનું વેચ્યું હતું. એપ્રિલની સરખામણીએ આ વેચાણ 67 ટકા વધારે છે અને મે મહિનામાં થયેલું વેચાણ 12 વર્ષની ટોચ દર્શાવે છે. 

વેચાણના આ આંકડા જોઈને રોકાણકારો ઉત્સાહિત થઈ શકે છે અને કદાચ આ કારણસર જ, એક્સપર્ટ્સ પણ લાંબા ગાળે ગોલ્ડના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે. રેલિગેર કોમોડિટીઝના વાઈસ પ્રેસિડન્ટ સુગંધા સચદેવનું માનવું છે કે, વૈશ્વિક સ્તરે વધતી મોંઘવારી અને આર્થિક મંદીની બીકને કારણે લાંબા ગાળે સોનામાં રોકાણ વધી શકે છે. સુગંધાનું માનવું છે કે, 2022ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ પ્રતિ ઔંશ 2,070 ડૉલરે અને ભારતીય બજારમાં ભાવ 56,000 રૂપિયાએ પહોંચી શકે છે. 

બજારના નિષ્ણાતો એવું પણ માની રહ્યાં છે કે, વ્યાજના દર વધે ત્યારે સોનામાં રોકાણની માંગ 100 ટકા નીચે જાય છે, પરંતુ આ વખતે વ્યાજના દરમાં જેટલો પણ વધારો થવાની ગણતરી છે, તેને તો ગોલ્ડ માર્કેટે પહેલેથી જ ડિસ્કાઉન્ટ કરી લીધું છે. 

તો મની નાઈનની સલાહ છે કે, ગોલ્ડમાં કોઈ પણ પ્રકારાનું ટ્રેડિંગ કરતાં પહેલાં પોતાના આર્થિક સલાહકારની મદદ લેવી જોઈએ.

Next Video