અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારની અનેક સોસાયટીઓમાં ભરશિયાળે પાણીની પારાયણ સર્જાઇ છે. ગુલબાઇ ટેકરાના ગિરિરાજ એપાર્ટમેન્ટ, શરદ એપાર્ટમેન્ટ અને વસંતબાગ બંગલોમાં પ્રદૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દૂષિત પાણીના વિતરણને કારણે લોકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે. ત્યારે તંત્ર શુદ્ધ પાણીનું વિતરણ કરે તેવી આ સોસાયટીના રહીશોની માગણી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લી એક અઠવાડિયાથી ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી ત્રણેય સોસાયટીમાં દૂષિત પાણી આવી રહ્યુ છે. પાણી એટલુ ખરાબ હોય છે કે તેમા દુર્ગંધ મારી રહી હોય છે અને એ પાણીને વપરાશમાં લઈ શકાય તેમ નથી. જેના કારણે બહારથી ટેન્કર લાવવા પડે છે. કોર્પોરેશનની પાણીની લાઈન સાથે ગટરની લાઈન મિક્સ થઈ ગઈ હોય તો પણ આવુ બની શકે, તેવુ પણ સ્થાનિકોનું માનવુ છે.
આ તરફ અમદાવાદમાં ખારીકટ કેનાલની સમસ્યાનો આખરે અંત આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં 104 વર્ષ જૂની ખારીકટ કેનાલ આગામી દિવસોમાં જોવા નહીં મળે. કોર્પોરેશને આ બજેટમાં ખારીકટ કેનાલ પર RCC રોડ બનાવવાનો પ્રોજેક્ટ મુક્યો છે. જેના ભાગરૂપે કામગીરી શરૂ થઇ ચુકી છે.
જેથી ખારીકટ કેનાલ તોડવામાં આવતા આગામી દિવસોમાં કેનાલ પર રોડ બની જશે. ખારીકટ કેનાલના લીધે મચ્છરનો ઉપદ્રવ, અકસ્માતો અને ગંદકીના લીધે લોકોના માટે માથાનો દુ:ખાવો હતો. એટલું જ નહીં પરંતુ ઔદ્યોગિક એકમોનું કેમિકલ યુક્ત પાણી ચોમાસામાં છાશવારે કેનાલમાં ઠાલવતા હતા. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.
Published On - 11:55 pm, Sun, 22 January 23