અમદાવાદની વટવા બેઠક પર ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારના નામની જાહેરાત કરાઈ નથી. ત્યારે વટવામાં માલધારી સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની માગ ઉઠી છે. વસ્ત્રાલના કર્ણાવતી ચાર રસ્તા પાસે બહોળી સંખ્યામાં માલધારી સમાજના યુવાનો અને આગેવાનો એકત્રિત થયા હતા અને સમાજના આગેવાનોએ માગ કરી કે વટવા બેઠક પર પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે. અથવા તો વટવાના સ્થાનિક અને યુવા માલધારીને ટિકિટ આપવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.
માલધારી સમાજના આગેવાન શૈલેષ ભરવાડે જણાવ્યુ કે અમારી માગ એક જ છે કે જ્યા સુધી પૂર્વગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને મળતી હોય તેમા જ દરેક માલધારીઓનુ હિત છે. તેમણે જણાવ્યુ કે દરેક માલધારી એવુ ઈચ્છે છે કે પ્રદિપસિંહ જાડેજાને ટિકિટ મળવી જોઈએ અને જો પ્રદિપસિંહને ટિકિટ ના મળે તો અમારા માલધારી સમાજને ટિકિટ આપો. તેમણે કહ્યુ કે વટવા વિધાનસભામાં સ્થાનિક માલધારીને ટિકિટ મળવી જોઈએ અને અમારો નેતા માલધારી હોવો જોઈએ તેવી ઉગ્ર માગ કરી છે. માલધારી સમાજની રજૂઆત છે કે વર્ષોથી ભાજપ સાથે માલધારીઓ જોડાયેલા છે. અને તેમના સમર્પિત મતદારો રહ્યા છે. તો પાર્ટીએ તેમની માગ પર ધ્યાન આપવુ જોઈએ.
આપને જણાવી દઈએ કોંગ્રેસે અમદાવાદની વટવા બેઠકથી બળવંતભાઈ ગઢવીને ટિકિટ આપી છે. જોકે ભાજપમાં હજુ આ બેઠકને લઈને સસ્પેન્સ યથાવત છે.