ભયજનક સપાટીથી ઉપર વહેતી નર્મદાએ ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીરો ખેંચી, ખેતરોમાં ફરી વળેલા પૂરના પાણીના જુઓ આકાશી દ્રશ્યો

|

Aug 19, 2022 | 8:38 AM

નર્મદા નદીના અંકલેશ્વર કાંઠાના ખેડૂતો ફૂલ અને શાકભાજીની ખેતી કરે છે. નર્મદાના પાણી કોતરો મારફતે સીમમાં પ્રવેશી ગયા છે. ખેડૂતો અનુસાર આ પાણીનો તરત નિકાલ થશે નહિ જેના કારણે ખેતીને નુકસાન થશે.

ભરૂચ(Bharuch) નજીક નર્મદા નદીનું જળસ્તર આજે સતત ત્રીજા દિવસે ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. છેલ્લા 24 કલાકથી ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદાની સપાટી 26.50 ફૂટે સ્થિર છે. નર્મદાની ભયજનક સપાટી 24 ફુટ છે અને જળસ્તર ખતરાના નિશાનની અઢી ફુટ ઉપર નજરે પડી રહ્યં છે. તંત્રના અંગચેતીના પગલાંઓના કારણે જળસ્તર વધે તે પહેલાજ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારના 800 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી નાખવામાં આવતા નદીના ધસમસતા પ્રવાહ છતાં કોઈ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું નથી જોકે નર્મદાના કાંઠાના ખેડૂત ચિંતાતુર બન્યા છે.

નર્મદા નદીના અંકલેશ્વર કાંઠાના ખેડૂતો ફૂલ અને શાકભાજીની ખેતી કરે છે. નર્મદાના પાણી કોતરો મારફતે સીમમાં પ્રવેશી ગયા છે. ખેડૂતો અનુસાર આ પાણીનો તરત નિકાલ થશે નહિ જેના કારણે ખેતીને નુકસાન થશે. કેટલાક ખેડૂતો તેમના ઉભા પાક ગુમાવવાની પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ફૂલોની ખેતી કરતા પિન્ટુ પટેલે જણાવ્યું હતું કે જળસ્તરમાં એક સ્તર બાદ વધારો થયો નથી જે રાહતના સમાચાર છે. જળસ્તર 28 ફુટ સુધી પહોંચી જાય ત્યારે  કાંઠાના  ગામોમાં ખેતીને વધારે નુકસાન થાય છે.

હાલમાં નીચાણવાળા વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા છે. નર્મદાના પાણીનો નિકાલ ન થવાથી ખેતરોમાં તરત જવાશે નહિ. ઉભો પાક તોડી ન શકવાથી નજર સામે આ ખેતી નાશ પામતી જોવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાનું ખેડૂત હરેશભાઇ જણાવી રહ્યા છે. એક તરફ હાલમાં નુકસાનની ચિંતા છે તો નદીના પાણીમાં આવેલો કાંપ ખેતી માટે જમીનને લાંબા સમય માટે ફળદ્રુપ પણ બનાવશે.

Published On - 8:37 am, Fri, 19 August 22

Next Video