Botad : કારની ડેકીમાં જતી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું, ST વિભાગે બસની ફાળવણી કરી

|

Jan 23, 2023 | 4:31 PM

Viral video : વાયરલ વીડિયો મુદ્દે TV9ના અહેવાલની અસર થઈ છે. એસટી તંત્રએ વિદ્યાર્થીઓ માટે તાકીદે એસટી બસની ફાળવણી કરી છે. વિદ્યાર્થીઓ કારની ડેકીમાં બેસીને શાળાએ જવાનો અહેવાલ TV9એ બે દિવસ પહેલા પ્રસિદ્ધ કર્યો હતો.

બોટાદના રાજપરા ગામની વિદ્યાર્થિનીઓ કારની ડેકીમાં બેસીને શાળાએ જતાના વાયરલ વીડિયો મુદ્દે TV9ના અહેવાલની અસર થઈ છે. એસટી તંત્રએ વિદ્યાર્થીઓ માટે તાકીદે એસટી બસની ફાળવણી કરી છે. વિદ્યાર્થીઓ કારની ડેકીમાં બેસીને શાળાએ જવાનો અહેવાલ TV9એ બે દિવસ પહેલા પ્રસિદ્ધ કર્યો હતો. જે મુદ્દે તંત્ર દોડતું થયું છે અને એસટી બસ તાત્કાલિક મુકવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ TV9નો આભાર માન્યો છે.

બોટાદના રાજપરા ગામમાં એસ.ટી. બસની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કારની ડિકીમાં બેસીને સ્કૂલે જતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં જોવા મળ્યુ તે અનુસાર જગ્યાના અભાવે વિદ્યાર્થિનીઓ કારની ડેકીમાં બેસીને અભ્યાસમાં માટે શાળાએ જતી હતી. જ્યારે ST બસ સમયસર ન આવતી હોવાથી આ ઉપરાંત બસના ડ્રાઇવર-કંડકટર મનમાની ચલાવી બસ ઉભી ન રાખતા હોવા સહિતના દિકરીઓએ આરોપ લગાવ્યા હતા.

આ મુદ્દે વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી હતી. છતાં બસની સુવિધા કરાઈ ન હતી. ત્યારે TV9ના અહેવાલના પગલે વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક બસ ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. બોટાદના રાજપરા અને હામાપરના ગામની વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે એસટી બસો ઉભી ના રહેતા ખાનગી વાહનોની ડિકીમાં બેસીને જવા માટે મજબૂર હતા.

રાજપરા અને હામાપરના 150 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગોરડકા જાય છે. વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ અને ગામના આગેવાનોએ તાત્કાલીક ધોરણે એસટી બસ ફાળવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેથી વાલીઓએ તંત્ર સામે બસ ફાળવવામાં આવે તેવી માગ કરી હતી.

Next Video