આગામી 4 દિવસ હીટવેવના કારણે ગરમીમાં થશે વધારો, અઠવાડિયા સુધી 44થી 45 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી

|

May 08, 2022 | 10:43 AM

આજથી ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થશે. જેની અસરથી ગરમીનો (Heat) પારો અચાનક ઉંચકાશે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર (Low-pressure) રચાયું છે, જે આગામી બે દિવસોમાં મજબૂત બનશે.

રાજ્યમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી હીટવેવનું (Heatwave) જોર ઘટતાં ગરમીથી રાહત રહી હતી. જો કે ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર આકરી ગરમીનો અનુભવ થશે. આગામી ચાર દિવસો એટલે કે 8થી 14 મે દરમિયાન ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે. જેની અસરથી અમદાવાદમાં (Ahmedabad) ફરી ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચશે. આ ચાર દિવસોમાંથી એક દિવસ હીટવેવને લીધે ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. અઠવાડિયા સુધી 44થી 45 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજથી ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થશે. જેની અસરથી ગરમીનો પારો અચાનક ઉંચકાશે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, જે આગામી બે દિવસોમાં મજબૂત બનશે. લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ અને સુકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે. જેથી આજથી ગુજરાત-અમદાવાદ ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થશે. જેના કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો ઉંચકાશે.

ગુજરાતમાં આ પહેલા થયેલી ગરમીની વાત કરીએ તો અમદાવાદમાં ગત 27 એપ્રિલથી 2 મે દરમિયાન હીટવેવથી ગરમીનો પારો 43થી 44 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. શનિવારે અમદાવાદમાં ગરમીનો પારો 41.7 ડિગ્રી નોંધાયો હતો. 8 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. ત્યારે હવે ફરીથી ગુજરાતમાં તાપમાનનો પારો ઉચકાશે અને ફરીથી કાળઝાળ ગરમીનો અનુભવ થશે.

બીજી તરફ દેશમાં ગરમીને કારણે વધી રહેલા લૂના કેસને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઇઝરી જાહેર કરાઇ છે. જેમાં લોકોને લૂથી બચાવ અને લૂ લાગવાની સ્થિતિમાં શું કરવું તે અંગે માહિતી અપાઇ છે. સાથે જ રાજ્ય સરકારોને લૂના દર્દીઓની સારવાર માટે પૂરતા પ્રમાણમાં સ્વાસ્થ્ય અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરવા સૂચન કર્યું છે.

Next Video