Junagadh : શું અભિનેત્રી જયા બચ્ચન અને જુહી ચાવલા જૂનાગઢમાં રહે છે ? શું મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહંમદ કૈફ કોરોનાની રસી મુકાવવા માટે છેક જૂનાગઢ સુધી આવ્યા ? સવાલ તો એટલા માટે થાય છે કે, કેમ કે તેમણે કોરોનાની રસી જૂનાગઢમાં મુકાવી હોય તેના સર્ટિફિકેટ મળ્યા છે. જૂનાગઢના ભેંસાણ અને વિસાવદરના ગામડાઓમાં જ્યારે કાર્યવાહી હાથ ધરાઈ. તો ફિલ્મી હસ્તીઓ અને ક્રિકટરોના કોરોના સર્ટિફિકેટ મળ્યા. જે કોરોના વેક્સીનેશનના કૌભાંડની ચાડી ખાય છે. આશંકા તો એવી છે કે, 100 ટકા રસીકરણ દર્શાવવા માટે કોઈના પણ નામે રસી આપી દેવાનું સર્ટિફિકેટ બનાવી દેવાય છે. એટલે રસીકરણની કામગીરી દેખાડી શકાય. જોકે આ સમગ્ર કૌભાંડ સામે આવતા જ તંત્ર હરકતમાં આવી ગયું છે. હાલ તો કેસની તપાસ કરવા માટે ટીમની રચના કરી દેવાઈ છે.. જેમા 5 સભ્યોનો સમાવેશ થાય છે. જોકે આ ટીમમાંથી જિલ્લા આરોગ્ય અધિકારીને દૂર રખાયા છે. જેઓ તત્કાલિન તાલુકા આરોગ્ય અધિકારી હતા.
રસીકરણના સર્ટિફિકેટ મળવાની સમગ્ર ઘટના અનેક સવાલોને જન્મ આપનારી છે. અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે, શું 100 ટકા લક્ષ્યાંક દર્શાવવા માટે કૌભાંડ આચરવામાં આવ્યું છે, શું રસીકરણના સર્ટિફિકેટ મામલે ફરજ પરના તબીબો અજાણ હતા, અત્યાર સુધી કેમ તંત્રના ધ્યાને સમગ્ર મામલો ન આવ્યો,વહીવટી તંત્રની જાણ બહાર કેટલા સર્ટિફિકેટ નીકળી ગયા હશે, શું કોઇ પ્રક્રિયા વગર જ બારોબાર સર્ટિફિકેટ કાઢી દેવાયા,શું રસીકરણ સર્ટિફિકેટ કૌભાંડ અંગે તંત્ર કરશે કોઇ તપાસ,ફિલ્મસ્ટાર અને ક્રિકેટરના સર્ટિફિકેટ કાઢવા પાછળ શું હોઇ શકે ઇદારો. ત્યારે જૂનાગઢનું તંત્ર આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે તે જોવું રહ્યું.
Published On - 4:19 pm, Thu, 23 February 23