બહારની ફરાળી વાનગી ખાતા પહેલા જાણી લેજો કે ખરેખર તે ફરાળી છે ? રાજકોટમાં આરોગ્ય વિભાગની તપાસમાં આ સત્ય સામે આવ્યુ

|

Aug 08, 2022 | 3:29 PM

વેપારી અખાદ્ય ચીજોનો ઉપયોગ કરે તો 5 લાખ સુધીનો દંડ અને એક માસની સજાની આકરી જોગવાઈ છે. આરોગ્ય વિભાગે (Health Department) તેલના નમૂના લઈને ચકાસણી અર્થે મોકલ્યા છે.

શ્રાવણ મહિનામાં (Shravan 2022) ઉપવાસ કરીને શિવજીની આરાધના કરતા ભક્તો બજારમાં મળતી ફરાળી વાનગીઓ હોંશે-હોંશે આરોગે છે. રૂપિયા ચુકવીને ફરાળી વાનગી ખરીદતા લોકોને ક્યાં ખબર હોય છે કે ફરાળી ચીજવસ્તુઓના નામે ભળતી જ વાનગી વેપારીઓ પધરાવીને ભક્તોની (Devotees) આસ્થા સાથે રમત રમે છે. રાજકોટમાં (Rajkot) મળતી ફરાળી પેટીશમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. મકાઈનો લોટ ઉપવાસ દરમિયાન ખાઈ શકાતો નથી. વર્ષોથી ફરાળી વાનગી વેચતા જાણીતા વેપારીઓ તે વાતથી વાકેફ ન હોય તેવું માની શકાય નહીં. આમ છતાં વેપારીઓ નજીવા નફાની લાલચે ઉપવાસ કરતા ભક્તોની લાગણી દુભાવી રહ્યાં છે. રાજકોટના જલારામ ચોકમાં આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન પેટીસમાં મકાઈનો લોટ વપરાતો હોવાનું સામે આવ્યું છે.

અખાદ્ય ખોરાક હોવાનું સામે આવ્યુ

રાજકોટમાં આરોગ્ય વિભાગે ફરાળી વાનગી વેચતા વેપારીઓને ત્યાં તવાઇ બોલાવતા જાણવા મળ્યુ કે, ખરાબ ગુણવત્તાનું તેલ અને બટેટા પેટિસ બનાવવા માટે વાપરવામાં આવી રહ્યા છે. તેમજ લાંબા સમયથી ખોરાકનો સંગ્રહ થતો હોય તેવુ સામે આવ્યુ છે. ફરાળી પેટીસ એકના એક તેલમાં તળવામાં આવતી હતી. જેથી આરોગ્ય માટે પણ પેટીસ હાનિકારક હતી. આ પેટીસમાં લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરાતો હતો. સાથે જ આ સ્થળેથી મળી આવેલુ સાઇટ્રીક એસીડ એટલે કે લીંબુના ફુડ પણ ખોરાકમાં વાપરી શકાય તેવા નથી.

મહત્વનું છે કે, જો કોઈ વેપારી અખાદ્ય ચીજોનો ઉપયોગ કરે તો 5 લાખ સુધીનો દંડ અને એક માસની સજાની આકરી જોગવાઈ છે. આરોગ્ય વિભાગે તેલના નમૂના લઈને ચકાસણી અર્થે મોકલ્યા છે. આરોગ્ય અધિકારીએ સ્પષ્ટતા કરી કે તેલના નમૂના અખાદ્ય હોવાનું સામે આવશે તો વેપારી સામે ફુડ સેફ્ટી એક્ટ મુજબ આકરી કાર્યવાહી કરાશે.

Next Video