Rain Updates: રાજ્યમાં સતત ચોથા દિવસે મેઘમહેર, 30 તાલુકાઓમાં પડ્યો નોંધપાત્ર વરસાદ

|

Sep 13, 2022 | 7:03 PM

Rain Updates: રાજ્યમાં 30થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જેમાં ગીરસોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 4 વરસાદ ખાબકી ગયો છે. ભાદરવા મહિનામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં સતત ચોથા દિવસે પણ મેઘમહેર થઈ છે.

રાજ્યમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સતત ચોથા દિવસે 30થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ગીરસોમનાથ (Gir Somnath)ના સૂત્રાપાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે તો આ તરફ વેરાવળમાં પણ 3 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકા અને ખંભાળિયામાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દ્વારકા (Dwarka)ના કલ્યાણપુરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. ભરૂચ (Bharuch)ના હાંસોટમાં અઢી ઈંચ, જૂનાગઢના માંગરોળ અને લાલપુરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. તો બનાસકાંઠાના પાલનપુરમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લાના નલિયા, તેરા, બીટા, ભવાનીપર સહિતના ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

ડેમોમાં પાણીની ભરપૂર આવક

ભાદરવામાં સાર્વત્રિક વરસાદના પગલે ડેમોમાં પાણીની ભરપૂર આવક થતા સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઈનું પાણી અને લોકોને પીવાનું પાણી પૂરતું મળી રહેશે. અમરેલીના બાબરામાં કાળુભાર ડેમ ઓવરફ્લો થતા 10 ગામના ખેડૂતોને ફાયદો થશે. ભાવનગરના પાલીતાણામાં શેત્રુંજી ડેમની જળ સપાટી ફરી વધી છે. છેલ્લા બે દિવસમાં ડેમની સપાટીમાં 1.6 ફૂટ પાણીનો વધારો થયો છે. રાજકોટમાં ભાદર-1 ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં ત્રિવેણી ઠાંગા ડેમ 100 ટકા ભરાઈ જતા ખેડૂતો ખુશ થઇ ગયા છે અને ધોળી ધજા ડેમ પણ ઓવરફ્લો થયો છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાના અંતિમ ચરણમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હજુ પણ હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Next Video