ફરસાણનું ધુમ વેચાણ, વહેલી સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા સુરતીલાલાઓની લાંબી કતારો લાગી

|

Oct 05, 2022 | 2:38 PM

આ દશેરા પર સુરતીઓ અંદાજીત 10 કરોડથી વધુના ફાફડા-જલેબી ખાઈ જશે તેવો અંદાજ છે. દુકાનદારોએ (Shops) મંગળવારથી જ રો-મટિરિયલ બનાવવાનું શરૂ કરી દીધું હતું.

સુરતમાં (Surat) દશેરાની (Dussehra) ધુમ ઉજવણી શરૂ થઈ છે. વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર સુરતીલાલાઓ મીઠાઈ અને ફરસાણ લેવા પડાપડી કરી રહ્યા છે. અંદાજીત 5 હજાર દુકાનોમાંથી 5 લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થાય તેવી શક્યતા છે. કોરોનાના બે વર્ષ બાદ સુરતીલાલાઓ કોઇપણ પ્રતિબંધ વગર ફાફડા-જલેબી લિજ્જત માણશે. આ દશેરા પર સુરતીઓ અંદાજીત 10 કરોડથી વધુના ફાફડા-જલેબી ખાઈ જશે તેવો અંદાજ છે. દુકાનદારોએ મંગળવારથી જ રો-મટિરિયલ બનાવવાનું શરૂ કરી દીધું હતું.

ફરસાણનું ધુમ વેચાણ થતા વેપારીઓમાં ઉત્સાહ

આજે દુકાનોમાં લાંબી લાઈનો લાગતા ફરસાણના વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો, શુદ્ધ ઘીની જલેબીનો ભાવ રૂ.450, ફાફડાનો ભાવ રૂ. 400 પ્રતિ કિલો રહ્યો હતો. જે ગયા વર્ષની સરખામણીમાં 50થી 60 વધુ હતો પરંતુ સુરતવાસીઓ મનમુકીને ફાફડા-જલેબી તેમજ મીઠાઈની મજા માણી રહ્યા છે.

ફાફડા જલેબીને પણ મોંઘવારીનું ગ્રહણ નડ્યું

અમદાવાદમાં આ દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. ત્યારે ફાફડા જલેબીને પણ મોંઘવારીનું ગ્રહણ નડ્યું છે અને ફાફડાના ભાવમાં કિલોએ 50 રૂપિયાનો વધારો નોંધાયો છે જ્યારે જલેબીના ભાવમાં પણ 30થી 100 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. આ વર્ષે એક કિલો ફાફડાનો ભાવ 650 રૂ. થયો છે તો જલેબીનો ભાવ 750 રૂ. થયો છે. જોકે તેમ છતાં વિવિધ ફરસાણની દુકાનો પર ફાફડા જલેબી ખરીદવા માટે સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા.

વેપારીઓએ જણાવ્યું હતું કે કાચા માલની કિંમતો તેમજ તેલના ભાવમાં વધારો થતા ફાફડા અને જલેબી મોંઘા થયા છે જોકે તેમ છતાં આ વર્ષે ફાફડા જલેબીનું રેકોર્ડ઼ બ્રેક વેચાણ થવાની વેપારીઓને આશા છે. ગુજરાતમાં દશેરા પર્વે ફાફડા જલેબી (Fafda Jalebi) ખાવાનો અનેરો મહિમા છે. જો કે છેલ્લા બે વર્ષની કોરોનાના પગલે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ન હતી. તેવા સમયે આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના પગલે દશેરાની પણ લોકો મન મૂકીને ઉજવણી કરશે તે ચોક્કસ છે.

Next Video