Rajkot : બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈને PGVCL એલર્ટ, સૌરાષ્ટ્રમાં 11 હજારથી વધુ કર્મચારીઓ સ્ટેન્ડ ટુ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 13, 2023 | 11:53 PM

બિપરજોય વાવાઝોડાથી થનારા સંભવિત નુકસાનને પહોંચી વળવા PGVCL એલર્ટ મોડ પર છે. હજારો કર્મચારીઓ 24 કલાક ખડેપગે છે. 1 લાખ વીજપોલ સ્ટોકમાં રખાયા છે. Tv9 સાથે વાતચીતમા PGVCLના ચીફ એન્જિનિયરે મહત્વની જાણકારી આપી હતી.

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈને ભારે પવન ફૂંકાવાની ભીતીને લઈને વીજ પોલને નુકશાન થાય અને વીજ પુરવઠો ખોરવાઈ જાય તો તાત્કાલિક અસરથી વીજ પુરવઠો પૂર્વવત કરી શકાય તે માટે PGVCLના MDના માર્ગદર્શન હેઠળ વીજતંત્ર દ્વારા વીજ માળખાને થનારા સંભવિત નુકસાનને પહોંચી વળવા મેન પાવર, મટીરીયલ તથા વાહનની આગોતરી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

બિપરજોયને લઈને ખાસ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો

PGVCLના ચીફ એન્જિનિયર ડી.વી.લાખાણીએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રકારના વાવાઝોડા આવે ત્યારે સૌથી વધુ નુકસાન PGVCL ને થતું હોય છે, વાવાઝોડાને પગલે આયોજનના ભાગરૂપે મેનેજમેન્ટ કમિટી, કોર કમિટી, સર્કલ લેવલ કમિટી,અલગ કંટ્રોલ રૂમ અને 24×7 રિપોર્ટિંગ ટીમની રચના કરવામાં આવી છે, જે સતત કામગીરીનું નિરીક્ષણ કરશે. કોર્પોરેટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત રહી ફરજ બજાવશે. વાવાઝોડા બાદ શહેર – નગરોમાં વીજ પુરવઠો ખોરવાશે તો તાબડતોબ પૂર્વવત કરવા માટે PGVCLની 562 કોન્ટ્રાક્ટર ટીમ 3304 વીજકર્મીઓ સાથે તથા 268 જેટલી ડીપાર્ટમેન્ટલ ટીમનાં 1085 સહીત કુલ 4389 વીજકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે.

1 લાખ જેટલા વીજપોલનો સ્ટોક રખાયો

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વાવાઝોડાના કારણે સૌથી વધુ નુકસાન વીજ થાંભલાઓનું થતું હોય છે ત્યારે રાજકોટ જિલ્લામાં 1 લાખ જેટલા વીજપોલ તથા 44253 જેટલા અલગ-અલગ વોટ પ્રમાણેનાં વીજ ટ્રાન્સફોર્મરના સ્ટોક સહિત ફેબ્રીકેશન મટીરીયલ્સ જેવા જરૂરી સાધન સામગ્રીનું આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : વાવાઝોડાને લઈ NDRFની 16 ટીમ તૈનાત, ડેપ્યુટી કમાન્ડર પરિસ્થિતિનો ક્યાસ કાઢવા પહોંચ્યા

અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી પહેલા હોસ્પિટલોના વીજપુરવઠાને પૂર્વવત કરાશે

વાવાઝોડા બાદ થયેલા નુકસાનની ભરપાઈ કરવા અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી પહેલા હોસ્પિટલ, સરકારી ઓફિસો, ફ્લોર મિલ, વોટરવર્કસને પ્રાથમિકતા આપી તાત્કાલિક મદદ પુરી પાડવા જરૂરી તમામ મટિરિયલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ટેમ્પો, બોલેરો જેવા ૭૮૨ વાહનો તથા ૩૬ જેટલા ટ્રકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો