વિદાય લેતા ચોમાસાએ ગુજરાતના અનેક વિસ્તારોને ભીંજવ્યા, નવરાત્રીમાં વરસાદ પડતા ખેલૈયાઓ ચિંતામાં

|

Sep 28, 2022 | 5:49 PM

ગુજરાતમાં (Gujarat) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સુરત (Surat) , અમરેલી, બોટાદ, ભરુચ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં (Gujarat) ચોમાસુ (Monsoon 2022) વિદાય લઇ રહ્યુ છે. જો કે જતા જતા પણ વરસાદે અનેક વિસ્તારોમાં મેઘમહેર કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદી (Rain) માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સુરત, અમરેલી, બોટાદ, ભરુચ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. નવરાત્રીમાં સતત ત્રીજા દિવસે વરસાદી ઝાપટા પડતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે.

અનેક જિલ્લામાં વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં પવન સાથે વરસાદનું આગમન થયુ હતુ. સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે પછી ભારે ઉકળાટ બાદ વરસાદ તૂટી પડ્યો હતો. તો બોટાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. હવામાન વિભાગની આગાહીના પગલે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતા ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવાયું છે. તેમજ ખેલૈયાના રંગમાં વરસાદે ભંગ પાડ્યો છે.

ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડતા ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી છે. સતત બીજા દિવસે વરસાદ પડતા મોટાભાગના ગરબા આયોજન મોકુફ રહ્યા હતા. તો પાર્ટી પ્લોટ અને શેરી ગરબાના આયોજકોમાં પણ ચિંતા ફરી વળી હતી. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહી પડ્યું હતું. તો સુરતમાં પણ અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી

આગામી ત્રણ દિવસ સામાન્ય અને છુટોછવાયો વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદને લઇને કોઇ આગાહી કરવામાં નથી આવી. અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં ક્યાંક છુટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી કરવામાં નથી આવી. માત્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સિસ્ટમ બનતી હોવાથી વરસાદી માહોલ સર્જાવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Next Video