Panchmahal : પાવાગઢ પર્વત (Pavagadh Mountain) પર મકાનો અને દુકાનોનું દબાણ દૂર કરાયા બાદ પદયાત્રીઓને ભારે હાલાકી પડી રહી છે. પદયાત્રીઓને પડી રહેલી મુશ્કેલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પદયાત્રીઓ ડુંગર પરથી વહી રહેલા ઝરણાનું પાણી બોટલ કે ગ્લાસમાં ભરીને તરસ છીપાવી રહ્યા છે.
પદયાત્રીઓને પડી રહેલી મુશ્કેલીનું કારણ એ છે કે કેટલાક દિવસો પહેલા તંત્રએ માચીમાં તારાપુર દરવાજા સુધી દબાણો દૂર કરી દીધા છે. જેના કારણે હવે પદયાત્રીઓને ચા-પાણી, શરબત અને નાસ્તો મળવાનો બંધ થઈ ગયો છે. પાવાગઢ પર્વત પર ચાલતા જતા ભક્તો માટે તંત્ર દ્વારા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે ખૂબ જરૂરી છે.
તો બીજીતરફ માચીમાં હટાવાયેલા દબાણોને લઈ વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરી છે. જિલ્લા પંચાયત દ્વારા 4 હેક્ટર જમીનમાં દબાણો દૂર કરાતા વેપારીઓની છત અને રોજગારી છીનવાઈ ગઈ છે. તેથી વેપારીઓએ રોજગાર માટેની વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી છે. નવરાત્રિના તહેવારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢમાં માતાજીના દર્શનાર્થે આવશે. જેમને પાણી સહિત જરૂરી વસ્તુઓની મુશ્કેલી ન પડે તે માટે દુકાનો પુનઃસ્થાપિત કરવા દેવામાં આવે તેવી વેપારીઓની માગ છે.