ગુજરાતના પંચમહાલના(Panchmahal ) મોરવા હડફ તાલુકાનું જીવાદોરી સમાન હડફ જળાશય (Hadaf ) સંપુર્ણ ભરાયું છે. જેમાં સતત વરસી રહેલા વરસાદથી (Rains) જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. હાલ હડફ જળાશયમાં 480 ક્યુસેક પાણીની આવક શરૂ છે. તેમજ ડેમનો 1 દરવાજો ખોલીને 681 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું છે. જેમાં હડફ ડેમની જળસપાટી 166.20 મીટર ભયજનક સ્તર પર પહોંચી છે. તેમજ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં ભાદરવા મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો છે. ભાદરવાના આકરા તાપ અને ભારે ઉકળાટ બાદ પાટનગર ગાંધીનગર માં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમા દહેગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સરેરાશ એક કલાકમાં સવા ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના આગમન પહેલા અસહ્ય ઉકળાટનો સામનો ગાંધીનગર વાસીઓ કરી રહ્યા હતા ત્યારે ગાંધીનગરમાં પણ વરસાદે મન મુકીને વરસી જતા વાતાવરણ આહ્લલાદક બન્યુ હતુ.
આ તરફ મહેસાણા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. મહેસાણાના વિસનગર અને વડનગરમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલ છવાતા વાતાવરણ ખુશનુમા બન્યુ હતુ.