Ahmedabad: દૂધેશ્વર સફાઈ કામદાર આવાસની હાલત કફોડી, ત્રણ મહિનાથી ઉભરાય છે ગટર, બીમારીનો ભય
Ahmedabad: શહેરના દૂધેશ્વર વિસ્તારમાં સ્થાનિકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાય છે જેના કારણે બીમારી ઘર કરી ગઈ છે.
દુધેશ્વર વિસ્તારમાં આવેલા સરકારી સફાઈ કામદાર આવાસમાં લોકોની હાલત કફોડી બની છે. આવાસમાં ત્રણ મહિનાથી ગટરનું પાણી ઉભરાય છે. પાણી ઉભરાતા રસ્તા પર જ પાણીનો ભરાવો થાય છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ એએમસી (AMC) દ્વારા ગટર ઉભરાવાની સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી.
ત્રણ મહિનાથી વસાહતમાં ગટરનું પાણી ભરાયેલું રહેવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરીયા અને કમળાના ઘરે ઘરે કેસો નોંધાયા છે. ગટરનું પાણી રસ્તા પર ભરાયેલું રહેતું હોવાને કારણે રસ્તા પર જ લિલ અને સેવાળ જામી ગયો છે. જેને લઈને સ્થાનિક લોકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો.
તો છેલ્લા ત્રણ મહિનાથી આ ગંદકી હોવાના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્રણ મહિનાથી ગટરનું પાણી ભરાયેલું રહેતું હોવાના કારણે રસ્તા પર જ લીલ જામી ગઈ છે. ત્યારે આ ગંદકીના કારણે મચ્છરોનું સામ્રાજ્ય અહીં વ્યાપી ગયું છે. તો લોકોનું કહેવું છે કે ઘણી રજુઆતો બાદ પણ આ તકલીફ ત્યાની ત્યાં છે.