Rajkot: બોગસ ડિગ્રી કૌભાંડમાં વધુ એક શખ્સની ધરપકડ, પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી

|

May 21, 2022 | 9:57 AM

સરકાર માન્ય કોઈ પણ શૈક્ષણિક બોર્ડની માન્યતા મેળવ્યા વગર દેશભરની 54 સ્કૂલોમાંથી 8500 કરતા વધુ લોકોને બોગસ ડિગ્રી (Bogus Certificate Scam) અપાઈ હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે.

Rajkot News : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) બોગસ ડિગ્રી કૌભાંડમાં વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. કેતન જોષી નામના શખ્સની ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી તેજ કરી છે. આ મામલે પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકાર માન્ય કોઈ પણ શૈક્ષણિક બોર્ડની માન્યતા મેળવ્યા વગર દેશભરની 54 સ્કૂલોમાંથી 8,500 કરતા વધુ લોકોને બોગસ ડિગ્રી (Bogus Certificate Scam) અપાઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં નકલી બોર્ડનું જોડાણ ધરાવતી સ્કૂલની ડીગ્રી અને સર્ટિફિકેટના આધારે 250થી વધુ છાત્રોએ સરકારી અને બીજા અનેક છાત્રોએ ખાનગી વિભાગોમાં નોકરી મેળવી લીધી હતી. ઉપરાંત એક વિદ્યાર્થી દીઠ 16 હજાર રૂપિયા લેવામાં આવી રહ્યા હતા. પોલીસે હાલ બોગસ ડિગ્રી કૌભાંડમાં કેતન જોશી (Ketan Joshi) નામના આરોપીની ધરપકડ કરી તપાસ તેજ કરી છે.

આંતરરાજ્ય કૌભાંડના તાર કયાં સુધી ફેલાયેલા?

હાલ એક શખ્સ પોલીસ પકડથી બહાર છે. અગાઉ નાનામોવા રોડ પરથી બોગસ ડિગ્રી વેચનાર જયંતી સુદાણીની ધરપકડ કરાઈ હતી. બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્લી નામના ટ્રસ્ટના નીચે હાલ દેશભરના 14 રાજયોમાં ગેરકાયદે રીતે 54 સ્કૂલોનું કનેકશન સામે આવ્યુ છે.  સૌથી વધુ યુપીની 22 સ્કૂલો છે. જ્યારે ગુજરાતની 6 સ્કૂલો છે. જેમાંથી મોટાભાગની હાલ બંધ થઈ ગઈ છે. બોર્ડ ઓફ હાયર એજ્યુકેશન દિલ્લીના ટ્રસ્ટી તરીકેની જવાબદારી કેતન જોશી સંભાળતા હતા. વર્ષ 2016માં આ ટ્રસ્ટને બનાવવામાં આવ્યું હતું અને વર્ષ 2021માં આ ટ્રસ્ટના ચેરમેન તરીકે અશોક લાખાણી હતા અને તેઓ રાજકોટમાં ટ્રસ્ટ ચલાવતા હતા.

આ બોર્ડ અંતર્ગત શાળા ચલાવતા જી.એમ.જોશી સાયન્સ સ્કૂલ સંભાળતા કેતન જોષીને 17 લાખ રૂપિયામાં આ ટ્રસ્ટ સોંપી દેવામાં આવ્યું હતું અને આ ટ્રસ્ટના નામે નકલી ડિગ્રીઓ આપવામાં આવતી હતી. વર્ષ 2016થી 2021 સુધી આ બોગસ ટ્રસ્ટ ચલાવતા પરેશ વ્યાસ નામનો શખ્સ હજુ પોલીસ પકડથી દુર છે, જેની પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Video