જુનાગઢ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ પર દર્દીના સગાએ કર્યો હુમલો, નજીવી બાબતે બંને વચ્ચે થઈ તકરાર, જુઓ વીડિયો

|

Jul 31, 2022 | 7:57 PM

Junagadh Civil Hospital: જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે તકરારની ઘટના સામે આવી છે. જેમાં બેડશીટ આપવા જેવી બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા દર્દીના સગાએ નર્સને ઈજા પહોંચાડી હતી.

જુનાગઢ (Junagadh) સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં નર્સ પર હુમલાની ઘટના સામે આવી છે. દર્દીના સગાએ નર્સિંગ સ્ટાફ (Nursing Staff) સાથે કોઈ બાબતે તકરાર થતા આવેશમાં આવી જઈ તેના પર હુમલો કર્યો હતો અને તેને ઈજા પહોંચાડી હતી. જેમાં નર્સ હાલ સિવિલમાં જ સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાના વિરોધમાં સિવિલ હોસ્પિટલનો તમામ નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો છે અને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને આ અંગે ઉગ્ર રજૂઆત કરી કાર્યવાહી કરવાની માગ કરી છે. નર્સિંગ સ્ટાફે દરેક વોર્ડમાં સીસીટીવી કેમેરા અને સિક્યોરિટીની વ્યવસ્થા કરવાની માગ કરી છે.

સિવિલના અન્ય કર્મચારીના જણાવ્યા મુજબ નર્સ યુવક પર દર્દીના સગાએ જીવલેણ હુમલો કર્યો હતો અને આ બનાવ બાદ બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના બાદ સિવિલનો તમામ નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો છે અને કોઈ ફરજ પર હાજર થવા માગતા નથી.

બેડશીટ જેવી નજીવી બાબતે થઈ હતી તકરાર

ભોગ બનનાર નર્સિંગ યુવકના જણાવ્યા અનુસાર દર્દી હોસ્પિટલમાં આવ્યા ત્યારે બેડ પર બેડશીટ લગાવેલી ન હતી. થોડીવાર પહેલા જ બેડ સાફ કર્યો હોવાથી બેડ થોડો ભીનો હતો એટલે સુકાવા માટે તેના ઉપર બેડશીટ લગાવેલી ન હતી. આ દરમિયાન દર્દીના સગા આવ્યા અને તેમણે બેડ પર ચાદર લગાવવા કહ્યુ હતુ, ત્યારે પટાવાળાને ચાદર લાવવા માટે કહ્યું હતુ પરંતુ આટલીવારમાં દર્દીના સગા આવેશમાં આવી જઈને બૂમો પાડવા લાગ્યા હતા અને સિવિલની કામગીરીની ટીકા કરી રહ્યા હતા. આ બાબતે નર્સ તરીકે ફરજ પર હાજર રહેલા યુવક સાથે તકરાર થઈ હતી અને દર્દીના સગાએ આવેશમાં આવી જઈ યુવક પર હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાના હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ પર ઘેરા પડઘા પડ્યા છે અને દરેક વોર્ડમાં સિક્યોરિટી ગાર્ડ મુકવાની માગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે.

Next Video