Navsari : સ્થાનિકોના વિરોધને લાઠીચાર્જના જોરે ડામી દઈ મંદિર તોડી પડાયું, જાણો શું છે સમગ્ર મામલો

|

Jul 26, 2022 | 8:00 AM

લગભગ બે થી ત્રણ કલાક સુધી તંત્રની સમજાવટ છતાં લોકોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. પોલીસ દ્વારા હળવા લાઠીચાર્જ દ્વારા લોકોને સ્થળ ઉપરથી દૂર કરાયા હતા

નવસારી(Navsari)માં ભારે વાદવિવાદ અને વિરોધ છતાં જમાલપોરમાં બનેલ રાધાકૃષ્ણનું મંદિરનું બાંધકામ નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ તોડી પાડયું છે.નવસારીના જમાલપોર વિસ્તારમાં આવેલ સર્વોદય નગરમાં સોસાયટીમાં ઘણા સમયથી જગ્યાનો વિવાદ ચાલતો છે. આ જમીન ઉપર મંદિર પણ બન્યું હોવાથી મામલો સંવેદનશીલ પણ બન્યો હતો. નુડાએ બાંધકામને અનધિકૃત ઠેરવીસ્વખર્ચે 10 દિવસમાં દૂર કરવાનો હુકમ સોસાયટી તરફ ગત મહિને કર્યો હતો. આ દરમિયાન સોમવારે નૂડાની ટીમ 5 વાગ્યાના અરસામાં મોટા પોલીસ કાફલા સાથે સ્થળ ઉપર પહોંચી હતી. મંદિર તોડવાની કાર્યવાહીની વાત વહેતી થતા સ્થાનિકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને મંદિર પરિસરમાં તંત્રની કાર્યવાહી સામે વિરોધ કર્યો હતો.

લગભગ બે થી ત્રણ કલાક સુધી તંત્રની સમજાવટ છતાં લોકોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. પોલીસ દ્વારા હળવા લાઠીચાર્જ દ્વારા લોકોને સ્થળ ઉપરથી દૂર કરાયા હતા અને મંદિરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ટોળા વિખેરવા કરવામાં આવેલા બળપ્રયોગમાં બે થી ત્રણ લોકોને નાની – મોટી ઇજાની માહિતી સાંપડી રહી છે. આમ તો મંદિર ખૂબ જ નાનું હતું પણ તેના ડિમોલિશન માટે મોટી તૈયારી સાથે તંત્ર પહોંચ્યું હતું. 3થી 4 ડેપ્યુટી કલેકટર, એસપી, ડીવાયએસપી સહિત અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. કાર્યવાહી માટે પોલીસનો મોટો કાફલો, પાલિકા તંત્ર, અનેક જેસીબી સહિતના સાધનો પણ નજરે પડ્યા હતા.નવસારીના જમાલપોરના આ વિસ્તાર ભાજપનો ગઢ મનાય છે. વિવાદ બાદ સ્થાનિક લોકોએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

Next Video