પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી થઈને પસાર થતા નેશનલ હાઈવે 48ને લઈ અનેક સમસ્યાઓ વર્તાઈ રહી છે. જેને લઈ સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ નેશનલ હાઈવે ઓથોરિટીને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કહ્યું છે. આ માટે તેઓએ લેખિત પત્ર લખ્યો છે. તેઓએ કહ્યું છે કે, યાત્રાધામ શામળાજીનું હાઈવે પર સાઈન બોર્ડ લગાવવામાં આવે અને બજારમાં ભરાતા પાણી માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
આ ઉપરાંત ઉદયપુરથી ચિલોડા સુધીની નેશનલ હાઈવેની બંને સાઈડો અને ડિવાઈડરમાં રહેલી વિશાળ જગ્યામાં ફુલ છોડ અને વૃક્ષો હાલમાં ચોમાસું હોઈ રોપવામાં આવે. આમ સાંસદ નેશનલ હાઈવેના ખાડાઓ ઉપરાંત હવે સમસ્યાઓ અને તેના નિરાકરણ અંગે કાર્યવાહી કરવા માટે એક્શન મોડમાં જોવા મળ્યા છે.
સાંસદ શોભનાબેન બારૈયાએ શામળાજીથી ઉદયપુર અને શામળાજીથી ચિલોડા તરફના માર્ગ પર વૃક્ષો ઉછેરવા માટે જરુરી સૂચન નેશનલ હાઈવે ઓથોરિટીને કર્યા છે. સાંસદ બારૈયાએ કહ્યું છે, કે હાઈવે પર ખુલ્લી જગ્યાઓ અને ડિવાઈડર સહિતના સ્થાનો પર વૃક્ષો અને ફુલછોડની વાવણી કરવામાં આવે. હાલમાં ચોમાસું હોઈ અને વરસાદી માહોલ હોવાને લઈ વૃક્ષ તથા ફુલછોડના રોપાઓની વાવણી કરવા માટે યોગ્ય સમય છે. આમ હાલમાં રોપાઓને લગાડવામાં આવે તો આવનારા દિવસોમાં નેશનલ હાઈવે સુંદર અને હરિયાળો જોવા મળી શકે છે.
નેશનલ હાઈવે સિક્સ લાઈન કરવામાં આવ્યો છે. જેમાં શામળાજી થી ઉદયપુર વચ્ચેના હિસ્સાનું મોટાભાગનું કાર્ય થઈ ચૂક્યું છે. જેમાં શામળાજી થી પસાર થતા હાઈવેનું કાર્ય પણ પૂર્ણ થયેલ છે. આ દરમિયાન હવે હાઈવે ઉંચાઈ પર હોવાને લઈ ચોમાસામાં વરસાદી પાણી શામળાજીના બજારમાં ભરાઈ જવા પામે છે. જેને લઈ મુખ્ય બજારના વેપારીઓ અને સ્થાનિકો પણ પરેશાન બન્યા છે.
આ સમસ્યાને દૂર કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. જેમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા અને સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા માટે પત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે. હાઈવે પર પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીનું સાઈન બોર્ડ નહીં હોવાને લઈ અનેક યાત્રાળુઓએ ઓવરબ્રિજની નિચે મૂંઝવણ ભર્યા રસ્તાની એન્ટ્રીને લઈ સમસ્યા સર્જાય છે. જેને લઈ અનેક વાહનોએ લાંબા અંતર સુધી જઈને નવી એક્ઝિટથી બહાર નિકળી પરત આવવું પડે છે.
આમ આ સમસ્યાને નિવારવા માટે હાઈવે પર પ્રસિદ્ધ યાત્રાધામ છે, અને જેનું સાઈન બોર્ડ પણ હોવું જરુરી છે. આ માટે શામળિયા ભગવાનની તસ્વીર સાથેનું સાઈન બોર્ડ લગાવવામાં એવી સૂચના પણ પત્ર દ્વારા આપવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:35 am, Sun, 7 July 24