Monsoon 2022: રાહતના સમાચાર : ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું વહેલુ આગમન થશે, મે મહિનાના અંતથી શરુ થશે પ્રિમોન્સૂન એક્ટિવિટી

|

May 17, 2022 | 4:56 PM

હવામાન વિભાગે (Meteorological Department) ચોમાસાના (Monsoon) આગમનને લઇને મહત્વના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં ચોમાસુ દસ્તક આપી શકે છે.

મે મહિનાના ઉનાળામાં (Summer 2022) હાલમાં તો ગરમીમાં થોડી રાહત છે. પરંતુ હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે રાજયમાં બે દિવસ પછી ગરમીનો પ્રકોપ વધશે. બે દિવસ પછી ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જો કે આ વચ્ચે હવામાન વિભાગે ખૂબ જ મોટા અને રાહતના સમાચાર એ આપ્યા છે કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું (Monsoon) વહેલુ આગમન થશે. જુન મહીનાના બીજા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે.

ચોમાસાનું આગમન વહેલુ થશે

ઉનાળાની આકરી ગરમી હાલ તો ગુજરાતીઓને દઝાડી રહી છે. પરંતુ ટુંક સમયમાં આ કાળઝાળ ગરમીથી ગુજરાતના લોકોને રાહત મળશે. હવામાન વિભાગે ચોમાસાના આગમનને લઇને મહત્વના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં ચોમાસુ દસ્તક આપી શકે છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી મેના અંત સુધીમાં શરુ થઇ શકે છે.

બે દિવસ પછી હીટવેવની આગાહી

આગામી બે દિવસ ગુજરાતમાં લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. ગરમીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી બે દિવસ રાજ્યમાં સામાન્ય ગરમી રહેશે. જો કે બે દિવસ બાદ ફરી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચે ચઢશે. 48 કલાક બાદ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

હવામાન વિભાગે માહિતી આપી છે કે 19 અને 20 મેના રોજ અમદાવાદમાં હીટવેવ રહેશે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 20 અને 21 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

Next Video