Mehsana: 9 ઓક્ટોબરે વડાપ્રધાન લેશે મહેસાણાની મુલાકાત, મોઢેરા સૂર્ય મંદિરમાં લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોનો કરાવશે પ્રારંભ
Mehsana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 થી 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી મહેસાણાની મુલાકાત લેશે. જ્યાં મોઢેરામાં આવેલા વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરમાં લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોનુ ઉદ્દઘાટન કરશે. ઉપરાંત જિલ્લામાં વિવિધ વિકાસકામોની પણ ભેટ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 9થી 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ ત્રણ દિવસ દરમિયાન પીએમ મોદી ગુજરાતમાં અનેક વિકાસકામોની ભેટ આપશે. આ દરમિયાન તેઓ મહેસાણા (Mehsana)ની મુલાકાત લેશે. મહેસાણાના મોઢેરા નજીક આવેલા દેલવાડામાં વડાપ્રધાન જંગી જનસભા સંબોધશે અને જિલ્લામાં વિવિધ વિકાસ કામોની ભેટ આપશે. સાથે જ તેઓ મોઢેશ્વરી માતાના દર્શને પણ જશે. આપને જણાવી દઈએ કે સોમનાથ અને અંબાજી બાદ હવે મોઢેરાના સૂર્યમંદિર (Sun Temple)માં પણ લાઈટ્સ એન્ડ સાઉન્ડ શો શરૂ થવા જઈ રહ્યો છે.
વડાપ્રધાન મોદી 9 ઓક્ટોબરે આ લાઈટ્સ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવશે. જેમા સૂર્ય મંદિરનું મહત્વ, વિશ્વ અને ભારતમાં સ્થપાયેલા સૂર્ય મંદિરોની માહિતી તેમજ આદિત્ય અને પ્રકૃતિના સંબંધની પ્રતિકૃતિ જોવા મળશે. શો દરમિયાન પીએમ મોદીની સોલાર એનર્જીનું મહત્વ સમજાવતી સ્પીચ પણ રજૂ કરાશે. લાઇટ એન્ડ સાઉન્ડ શો રાત્રે 7 થી 8 કલાકના સમયગાળા દરમ્યાન રજૂ થશે.
સૂર્યમંદિરનું સોલરાઇઝેશન
સૂર્યમંદિર ખાતે હેરિટેજ લાઇટિંગ્સ અને 3-D પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે. આ 3-D પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે. આ પ્રોજેક્શન સાંજે 15-18 મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે 6.00 થી 10.00 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. 3-D પ્રોજેક્શન દરરોજ સાંજે 7:00 થી 7:30 વાગ્યા સુધી ઓપરેટ કરવામાં આવશે.