Mehsana: જરા સાચવીને, આ મહેસાણાના રસ્તા છે, ખાડામાં રસ્તા કે રસ્તામાં ખાડા ? બાયપાસ રોડની ખસ્તા હાલત, જુઓ વીડિયો

|

Aug 20, 2022 | 7:18 PM

Mehsana: શહેરનો બાયપાસ રોડ એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીં જ્યાં જુઓ ત્યાં ખાડા જ દેખાય છે. અહીંથી પસાર થતા લોકો ત્રાહિમામ પોકારી જાય છે છતા તંત્ર દ્વારા રોડ પરના ખાડા પુરવાની કોઈ કામગીરી થતી નથી.

મહેસાણા (Mehsana) માં બાયપાસ રોડથી પાલનપુર જતા રોડ પર મસમોટા ખાડા જોવા મળે છે. આ રોડ પરથી પસાર થવામાં વાહનચાલકોને નાકે દમ આવી જાય છે અને કમરના મણકા ખસી જાય છે. આ રોડ પરથી પસાર થતા દરેક વ્યક્તિને એક જ સવાલ થાય કે આ રસ્તામાં ખાડા છે કે ખાડા(Potholes)માં રસ્તો છે. મહેસાણા બાયપાસ રોડ (Bypass Road) એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે બાયપાસ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ માત્ર 6 જ વર્ષમાં આ રોડની બદ્દતર હાલત જોવા મળે છે. અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રોડ બન્યાના એક જ વર્ષમાં તૂટી ગયો હતો અને રોડ પર બનાવેલો બ્રિજ પણ ત્રણ-ચાર વર્ષમાં જ તૂટી જવાથી નવો બનાવવો પડ્યો હતો.

સ્થાનિકોએ જાતે રોડ પર માટીનું પુરાણ કર્યુ

રાધનપુર રોડ બાયપાસથી શિવાલા સર્કલ સુધી જતા રોડ પર માત્ર ખાડા જ જોવા મળે છે. આજુબાજુના દુકાનદારો, મોલકર્મીઓ અને પોલીસના કર્મચારીઓ રોડ પર માટી પાથરી ખાડા પુરવાની કામગીરી કરતા જોવા મળ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા કે RNB વિભાગ દ્વારા રસ્તા રિપેર કરવાની કોઈ કામગીરી થતી નથી. એકતરફ રોડના કામમાં ઠેરઠેર ભ્રષ્ટાચારના ખાડા પડેલા છે છતાં RNB વિભાગની ઉંઘ ઉડતી નથી. બિસ્માર રસ્તાથી ત્રાસેલા સ્થાનિકોએ જાતે રોડ પર માટીનું પુરાણ કરી રહ્યા છે. જેમાં પોલીસ પણ જાતે પાવડા લઈ ખાડા પુરતી જોવા મળી હતી. આટલી હદે રસ્તાઓની બિસ્માર હાલત હોવા છતા RNBના પેટનું પાણી નથી હલતુ. નઘરોળ તંત્રના અધિકારીઓ સામે વાહનચાલકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

Next Video