ગુજરાતમાં લમ્પીનો કહેર, કિસાન કોંગ્રેસે લમ્પીને મહામારી જાહેર કરવા કરી માંગણી

|

Jul 22, 2022 | 10:12 PM

લમ્પી વાયરસે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓને તેના ભરડામાં લઇ લીધા છે. તો ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ પગપેસારો કર્યો છે, ત્યારે કોંગ્રેસે (Congress) માગ કરી છે કે લમ્પી વાયરસને મહામારી જાહેર કરવામાં આવે.

ગુજરાતમાં છેલ્લા દોઢ મહિનાથી લમ્પી વાઈરસે (Lumpy Virous) કહેર મચાવી દીધો છે અને તેના કારણે દૂધાળા પશુઓના જીવ વાયરસના ભરડામાં આવી ગયા છે. પશુઓમાં જોવા મળતા લમ્પી વાયરસે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓને તેના ભરડામાં લઈ લીધા છે તો ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ પગપેસારો કર્યો છે, ત્યારે કોંગ્રેસે (Congress) માગ કરી છે કે લમ્પી વાયરસને મહામારી જાહેર કરવામાં આવે અને લમ્પીમાં મૃત્યુ પામેલા પશુધનને SDRFની જોગવાઈ મુજબ વળતર આપવા માગ કરી છે. આ મુદ્દે સરકાર પણ એક્શનમાં આવી છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) લમ્પી વાયરસને પગલે સંવેદનશીલ અભિગમ દર્શાવી આ રોગચાળા સામે રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા ખાસ સૂચનાઓ આપી છે. તેમજ અસરગ્રસ્ત જિલ્લામાં પશુઆરોગ્ય રક્ષા માટે પશુપાલન નિયામકને પૂરતા વેક્સિનેશન, દવાઓના જથ્થા સાથે વધારાની મેડીકલ ટીમ તાત્કાલિક ધોરણે મોકલવા સૂચનાઓ અપાઈ છે.

લમ્પી વાયરસે રાજ્યના 11 જિલ્લામાં કહેર વર્તાવ્યો છે. વાયરસનો સૌથી વધુ કહેર કચ્છમાં જોવા મળી રહ્યો છે જ્યાં કોંગ્રેસે 20 હજાર જેટલા કેસ નોંધાયા હોવાનો દાવો કરાયો છે. ત્યારે આ મુશ્કેલીના વાયરસે પશુપાલકોની ચિંતા વધારી દીધી છે. ત્યારે રાજકોટમાં પણ લમ્પી વાયરસનો ફફડાટ છે, પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકો સૌથી વધુ મુશ્કેલીમાં છે.

કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસથી મોતને ભેટેલા પશુઓના આંકડા તંત્રએ જાહેર કર્યા છે. સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધી કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસથી 1 હજાર જેટલા પશુઓના મોત નિપજ્યા છે સાથે જ જિલ્લા પંચાયત દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમામ ગ્રામ પંચાયતોએ વાયરસથી મૃત્યુ પામેલા પશુઓની માહિતી રાખવા આદેશ કરાયો છે સાથે જ તંત્રએ જિલ્લામાં પશુ નિષ્ણાતોની વધુ 16 ટીમની પણ સરકાર પાસે માગણી કરી છે, મહત્વનું છે કે જિલ્લા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કચ્છ જિલ્લામાં 20 હજારથી પણ વધુ પશુઓના મોત લમ્પી વાયરસથી થયા છે.

Published On - 10:12 pm, Fri, 22 July 22

Next Video