Kutch : ગુજરાતમાં શિક્ષકો પાસે શિક્ષણ સિવાયના બીજા કોઈ કામ નહી કરાવાય, AAP એ શિક્ષણ ક્ષેત્રે આપી પાંચ ગેરંટી

|

Aug 16, 2022 | 5:47 PM

ગુજરાતમાં કચ્છની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે ફરી એકવાર વાયદાઓનો પિટારો ખોલ્યો છે. જેમા આ વખતે તેમણે જાહેર કર્યું છે કે, ગુજરાતની દરેક ખાનગી શાળાઓનું ઓડિટ કરવામાં આવશે. જેમા કોઈ ખાનગી શાળાઓ મન ફાવે તેમ આડેધડ ફી વધારી નહીં શકે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પરના શિક્ષકોને કાયમી કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ આમ આદમી પાર્ટી (AAP)ગુજરાતમાં સક્રિય થઈ ગઈ છે. જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) ની ગુજરાતની મુલાકાતો પણ વધી છે. થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે હતા ત્યારે આજે ફરી કેજરીવાલે કચ્છ (Kutch)જિલ્લાના ભુજની મુલાકાતે હતા, અહીં તેમણે ફરી એકવાર વાયદાઓનો પિટારો ખોલ્યો હતો. મહિલા કાર્ડ, આદિવાસી કાર્ડ બાદ કેજરીવાલે હવે ગુજરાતના શિક્ષકો માટે લોભામણી જાહેરાતો કરી છે. કેજરીવાલે શિક્ષકોને વાયદો કર્યો છે કે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટની સરકાર બનશે તો ગુજરાતમા શિક્ષકોને ફક્ત ભણાવવાનુ કામ જ સોંપવામાં આવશે. તેમની પાસેથી બીજી કોઈ કામગીરી લેવામાં નહીં આવે.

અરવિંદ કેજરીવાલે શિક્ષણ ક્ષેત્રે પાંચ ગેરંટી આપી

આ સાથે અરવિંદ કેજરીવાલે શિક્ષણ ક્ષેત્રે પાંચ ગેરંટીની જાહેરાત કરી છે. જેમા તેમણે જણાવ્યુ કે ગુજરાતના દરેક બાળકને મફત અને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવશે. સરકારી શાળાઓની સ્થઇતિ સુધારવામાં આવશે. રાજ્યમાં વધુ નવી સરકારી શાળા ખોલવામાં આવશે. ગુજરાતની દરેક ખાનગી શાળાઓનું ઓડિટ કરવામાં આવશે. જેમા કોઈ ખાનગી શાળાઓ મન ફાવે તેમ આડેધડ ફી વધારી નહીં શકે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પરના શિક્ષકોને કાયમી કરવામાં આવશે. અને શિક્ષકોને ભણાવવા સિવાય અન્ય કોઈ જ કામગીરી સોંપવામાં નહીં આવે. આ સાથે અરવિંદ કેજરીવાલે ઉમેર્યુ હતુ કે ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ અત્યંત દયનિય છે આથી જ ગુજરાતના 44 લાખ બાળકો ખાનગી શાળાઓમાં ભણે છે.તો કેજરીવાલે શિક્ષણ મુદ્દે કેન્દ્ર પર પણ પ્રહાર કર્યો કે દેશની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે.

Next Video