જુનાગઢ: પ્લાસ્ટિક બોટલ પરના પ્રતિબંધના વિરોધમાં ગીરનાર પર્વત આજુબાજુના વેપારીઓએ પાળ્યો બંધ, પથિકોને પારાવાર હાલાકી- વીડિયો

|

Feb 23, 2024 | 9:32 PM

જુનાગઢ: પ્લાસ્ટિકની પાણીની બોટલ પરના પ્રતિબંધના વિરોધમાં ગીરનાર પર્વત વિસ્તારની દુકાનોના વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓ બોટલ પરનો પ્રતિબંધ હટાવવાની માગ કરી રહ્યા છે.

જુનાગઢના ગીરનાર પર્વત પર સતત ત્રીજા દિવસે વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે. ગીરનાર પર પ્લાસ્ટિકની બોટલના વેચાણ પર પ્રતિબંધના નિર્ણયને લઈને વેપારીઓમાં રોષ છે. જેને લઈને 120 જેટલા વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ તંત્ર દ્વારા પાણીની સુવિધા કરાઈ હતી પરંતુ તે કામચલાઉ ધોરણે હતી. આથી પથિકોને પાણી વિના ભારે હાલાકી વેઠવાનો વાર આવી રહ્યો છે.

બે દિવસ પહેલા વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી પાણીની બોટલ પરનો પ્રતિબંધ હટાવવામાં આવી તેવી માગ વેપારીઓ કરી રહ્યા હતા. જો કે બીજી તરફ પાણીની સુવિધા પુરી કરાય તેવી યાત્રિકો માગ કરી રહ્યા છે.

આ મુદ્દો આજકાલનો નથી. છેલ્લા કેટલાય મહિનાઓથી ગીરનાર પર્વત પર ગંદકી અને પ્રદૂષણનો આ મુદ્દો વિવાદમાં છે. કેમકે જુનાગઢમાં ગીરનાર પર્વત પર ગંદકી ફેલાતી અટકાવવા જાહેરહિતની અરજી બાદ હાઇકોર્ટે ઓક્ટોબરમાં સફાઇનો આદેશ આપ્યો હતો. પર્વત પર ગંદકીની સફાઇ થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે હોઈકોર્ટ કમિશન ટીમની રચના પણ કરવામાં આવી હતી. આ ટીમે વહીવટી તંત્રએ સફાઈ માટે શું કર્યું, સીડી પર કચરાપેટી મુકાઈ છે કે નહીં, પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો અમલ થાય છે કે નહીં વગેરે બાબતોનું નિરીક્ષણ પણ કર્યું હતું. ગીરનાર પર પાણીની વ્યવસ્થા કરવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ પાછું ઠેરનું ઠેર થઈ જતાં લોકો પરેશાન છે.

આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજના માટે દેશની સૌપ્રથમ લાંબી સુરંગ અને બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય થયુ શરૂ- જુઓ નિર્માણની તસવીરો

તો આ તરફ જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા ખાતરી આપવામાં આવી કે વેપારીઓને બે દિવસમાં ટેટ્રા પેકિંગ કરાશે ઉપલબ્ધ સાથે જ ગીરનાર ઉપર પાણીના ટાંકા ઉભા કરવામાં આવશે.હાલ તો સરકારી તંત્ર ઉકેલ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં ગીરનાર, ભવનાથ તળેટી સહિતના વિસ્તારોનો પ્લાસ્ટિક મુક્ત થઈ કાયાકલ્પ થઈ જાય તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:21 pm, Fri, 23 February 24

Next Video