આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ ગામમાં કમળાએ કાળો કહેર મચાવ્યો છે. ગામમાં એવુ કોઇ ઘર નહીં હોય જ્યાં કમળાના દર્દીઓ ના હોય. સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો છે. બિમારી પાછળ અન્ય કોઇ નહીં પરંતુ ધર્મજની ગ્રામ પંચાયત જ જવાબદાર છે. કમળો પાણીજન્ય રોગ છે. એટલે દૂષિત પાણી પીવાથી આ રોગ થાય છે. છેલ્લા 48 કલાકથી ગામમાં સ્થિતિ ઘણી વણસી ગઈ છે. એક બાદ એક લોકો કમળાન ભોગ બની રહ્યા છે. આ અંગે હવે ખૂલાસો થયો છે કે છેલ્લા એક અઠવાડિયામાં પાણીની લાઈનમાં 23 લીકેજ મળ્યા છે. આ લીકેજમાંથી પીવાના પાણી સાથે ગટરના દૂષિત પાણી ભળતા ગામમાં રોગચાળો ફેલાયો છે. હાલ ગ્રામ પંચાયત દ્વારા 13 લીકેજ રીપેર કરાયા છે. જ્યારે અન્ય 10 લીકેજ રિપેરની કામગીરી ચાલુ છે.
આ પરથી એ તો સ્પષ્ટ થયુ છે કે પંચાયતે કોઇ ધ્યાન આપ્યું નહીં. ગામની પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી લોકોના ઘરે સુધી પહોંચી ગયું અને એ પાણી પીવાથી આજે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે.
હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. તમામ સરકારી વિભાગ કામગીરી કરી રહ્યા છે. જો કે સવાલ એ છે કે પહેલા કેમ બેદરકરી રાખવામાં આવી? જો પહેલા પંચાયત દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી હોત તો આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત. જો કે હવે તંત્ર ધર્મજના લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપી રહ્યું છે.
ધર્મજ ગામના ભોઈ વાસ, અક્ષર નગર, વાડી ચોક, મોટી ફળી, નવી ઓડ સહિતના વિસ્તારોમાં કમળાના કેસ વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે. આ તમામ વિસ્તારની પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવાના કારણે દૂષિત પાણી ભળી રહ્યું છે, જે કમળાના રોગચાળાનું મુખ્ય કારણ છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં ગંદુ પાણી ભળવાથી પાણી દૂષિત થયું છે અને તેના કારણે લોકો કમળાનો ભોગ બની રહ્યા છે.
ગામમાં કમળાના રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગની 15 જેટલી ટીમો ધર્મજ ગામમાં ડોર ટુ ડોર સર્વે કરી રહી છે અને લોકોના આરોગ્યની તપાસ કરી રહી છે. આ ઉપરાંત, પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોટા ભાગના ઘરોમાં પીવાનું પાણી પીવાલાયક નથી, જે એક ગંભીર ચિંતાનો વિષય છે.
ધર્મ જ ગ્રામ પંચાયત દ્વારા પાણી શુદ્ધિકરણ માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગ્રામ પંચાયત દ્વારા માત્ર ઓવરહેડ ટાંકીના પાણીમાં જ ક્લોરિનેશન કરવામાં આવે છે. બોરકુવામાંથી સીધું જે પાણી આપવામાં આવે છે તેમાં ક્લોરિનેશનની કોઈ વ્યવસ્થા નથી. આ ઉપરાંત, પાણીની લાઇનમાં અત્યાર સુધીમાં 23 થી વધુ લીકેજ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે પાણી વિતરણ વ્યવસ્થામાં ગંભીર ખામીઓ છે. ગ્રામ પંચાયતને આ લીકેજને તાત્કાલિક રિપેર કરવાની સૂચના આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જેની સામે ગામના લોકોમાં આક્રોશ છે.
આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. જેથી આગામી દિવસોમાં કમળાનો કહેર ઓછો થઇ શકે છે અને લોકોને પણ કમળાના કહેરથી રાહત મળી શકે છે.
Input Credit- Dharmendra Kapasi- Anand
Published On - 4:03 pm, Mon, 24 February 25