જામનગરની જી. જી. હોસ્પિટલમાં રખડતા શ્વાનનો આતંક, વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ તંત્રએ આપ્યા તપાસના આદેશ

જામનગરની જીજી હોસ્પિટલમાં ફરી શ્વાનનો આતંક સામે આવ્યો છે. શહેરના રખડતા શ્વાનનો આતંક હવે હોસ્પિટલ સુધી પહોંચ્યો છે. હોસ્પિટલમાં શ્વાનના સામ્રાજ્યનો વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યુ છે અને તપાસના આદેશ આપ્યા છે.

| Edited By: | Updated on: Jan 29, 2024 | 11:35 PM

જામનગરની જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. આ વખત આ વિવાદનું કારણ છે હોસ્પિટમાં ફરતા શ્વાન. જીજી હોસ્પિટલમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. અહીં એક સાથે બે થી ત્રણ જેટલા શ્વાન અંદરોઅંદર લડતા જોવા મળી રહ્યા છે ફરી હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જીજી હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરાથી દર્દીઓ પર પણ જોખમ તોળાઈ રહ્યુ છે. આ શ્વાન દર્દીને કરડે તો જવાબદાર કોણ?

સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં રોજના હજારો લોકો આવે છે. હોસ્પિટલના રખરખાવ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે વારંવાર આ પ્રકારે શ્વાન આવી ચડે છે. ક્યારેક લોબીમાં આંટાફેરા કરતા નજરે ચડે છે તો ક્યારેક લોબીમાં જ બાખડતા જોવા મળે છે અને હોસ્પિટલ તંત્ર માટે આ જાણે સાવ સામાન્ય બાબત બની ગઈ છે.

આ ઘટનાનો વીડિયો વાયરલ થતા બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે કે દર્દીના સગા શ્વાનને ખવડાવે છે એટલે શ્વાન હોસ્પિટલમાં આવે છે. પરંતુ અહીં સવાલ એ થે કે હોસ્પિટલની સિક્યોરિટી શેના માટે હોય છે. માત્ર શ્વાન નહીં ભૂતકાળમાં આખલા પણ હોસ્પિટલમાં આવી ચડ્યા હોવાના દાખલા છે ત્યારે સિક્યોરિટી સામે સવાલ તો ઉઠવાના.

આ પણ વાંચો: રાજકોટમાં ખરાબ રસ્તાના લીધે એક જ પરિવારે ગુમાવ્યા બે લોકો, રાજકોટમાં સંત કબીર રોડ પર ટ્રકને ઓવરટેક કરતાં પિતા-પુત્રના મોત

હોસ્પિટલ જેવી જગ્યાએ જ્યાં બીમાર દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યા આ પ્રકારની બેદરકારી કેટલે અંશે યોગ્ય છે? જો આ પ્રકારે પ્રાણીઓ ઘુસી જાય અને દર્દીઓને કોઈ ઈન્ફેક્શન લાગે તો તેના માટે જવાબદાર કોણ! હોસ્પિટલમાં વધુ દરવાજા હોવાથી આ પ્રકારની સમસ્યા સામે આવે છે તેવુ બચાવ હોસ્પિટલ તંત્ર કરી રહ્યુ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે વધુ દરવાજા હોય તો શું શ્વાનને આવવા દેવાના!

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:12 pm, Mon, 29 January 24