સાબરકાંઠા જિલ્લામાં તસ્કરો અવર જવર વધવા લાગી છે. તસ્કરોએ લોકોને પરેશાન કરી દીધા છે, તો બીજી તરફ તસ્કરો પોલીસ માટે પડકાર રુપ બન્યા છે. પ્રાંતિજના સલાલ બજાર વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર અને દિગમ્બર જૈન મંદિરમાં તસ્કરોએ ચોરી આચરી હતી. આદીનાથ દિગમ્બર જૈન મંદિરમાંથી તસ્કરો ભગવાનની મૂર્તિઓને જ ઉઠાવી ગયા હતા. ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસે દોડી આવીને તસ્કરોનુ પગેરુ શોધવા માટે પ્રયાસો શરુ કર્યા છે.
સલાલના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલ આદીનાથ જૈન મંદિરમાં રાત્રી દરમિયાન તાળુ તોડીને તસ્કરોએ ચોરી આચરી હતી. ભગવાનની મુખ્ય પ્રતિમાઓ સમક્ષ રાખવામાં આવેલ પંચ ધાતુની પારસનાથ ભગવાન અને આદીનાથ ભગવાનની પંચ ધાતુની મૂર્તિની ચોરી કરાઈ હતી. ઉપરાંત યંત્ર અને 2 સિંહાસનની પણ ચોરી તસ્કરોએ કરી હતી. આમ કુલ મળીને 76 હજારની મત્તાની ચોરી થઈ હતી.
જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ અંબાજી મંદિરમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. અંબાજી મંદિરમાંથી તસ્કરોએ ચાંદીની 300 ગ્રામ વજન ધરાવતી મૂર્તિ તેમજ દાનપેટીની ચોરી થઈ હતી. આમ કુલ મળીને તસ્કરોએ 82 હજાર રુપિયાની મત્તાની ચોરી સલાલમાંથી કરી હતી. ઘટના બાદ સ્થાનિક પ્રાંતિજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. ડોગ સ્ક્વોડ સહિતની ટીમોને બોલાવવાની તજવીજ ધરીને પોલીસે તસ્કરો સુધી પહોંચવા માટે કાર્યવાહી શરુ કરી હતી.