દાદા-દાદીની દેખરેખની ચિંતા કર્યા વિના પૈતૃક સંપત્તિમાં હિસ્સો માગનાર નવી પેઢીને હાઈકોર્ટે કરી ટકોર, હાલની પેઢી આગામી પેઢીને પણ બગાડી રહી છે

|

Sep 09, 2022 | 9:45 PM

High Court: પૈતૃક સંપત્તિમાં હિસ્સો માગનાર નવી પેઢી સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા ટકોર કરી છે. કોર્ટે જણાવ્યુ છે કે હાલની ત્રીજી પેઢીના સંતાનો માતા-પિતા કે દાદા-દાદીની દેખરેખની ચિંતા કર્યા વિના સંપત્તિમાં હિસ્સો માગે તે દુ:ખદ છે. કોર્ટે વધુમાં કહ્યુ છે કે સંપીને રહેવાને બદલે કેસ-દાવાઓમાં પરિવારને પરેશાન કરે છે.

પૈતૃક સંપત્તિમાં હિસ્સો મેળવવા માટે માતા-પિતા (Parents) કે દાદા-દાદીને કોર્ટમાં ઢસડી જતી હાલની નવી પેઢી સામે હાઈકોર્ટ (High Court) માર્મિક ટકોર કરી છે. હાઈકોર્ટે તેમના અવલોકનમાં જણાવ્યુ છે કે સેવા વિના સંપત્તિમાં હિસ્સો (Property Share) માગતા સંતાનો આગામી પેઢીને પણ બગાડી રહ્યા છે. કોર્ટે જણાવ્યુ છે કે હાલની ત્રીજી પેઢીના જે સંતાનો છે તે માતા-પિતા કે દાદા-દાદીની દેખરેખની કે સેવાની ચિંતા કર્યા વિના પૈતૃક સંપત્તિમાં હિસ્સો માગે તે દુ:ખદ છે. આ સંતાનો સંપીને રહેવાને બદલે કેસ-દાવા કરી પરિવારને પરેશાન કરે છે. કોર્ટે જણાવ્યુ છે કે હાલની પેઢીને માનસિક્તા બદલવાની જરૂર છે.

હાલની નવી પેઢીએ તેમની માનસિક્તા બદલવાની જરૂર: HC

હાલની પેઢી આઝાદી સમયે થયેલી ઘટનાઓને લઈને સવાલો ઉઠાવે છે. જેમનુ દેશ માટે કોઈ યોગદાન નથી તેવા લોકો આઝાદી સમયની ઘટનાઓ સંદર્ભે સવાલ કેવી રીતે ઉઠાવી શકે તેવી પણ હાઈકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે તેમના અવલોકનમાં મહત્વપૂર્ણ બાબત એ જણાવી કે આજની પેઢીએ તેમની માનસિક્તા બદલવાની જરૂર છે. હાઈકોર્ટનું સ્પષ્ટપણે માનવુ છે કે જો હાલની પરિસ્થિતિ અને સમાજમાં બદલાવ નહીં આવે તો આગામી પેઢી પણ બગડશે અને તેનુ નુકસાન તેમણે પણ ભોગવવુ જ પડશે.

હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી કે સંપીને રહેવાને બદલે વિખવાદ ઉભા કરવાની સ્થિતિ એક દિવસની નહીં પરંતુ આખા દેશની છે. પારિવારિક સંપત્તિમાં કંઈ સેવા ભાવ વિના વારસાઈ હિસ્સો માગતી આજની પેઢીને અરીસો બતાવવાનુ કામ કર્યુ છે. આજકાલ વધુ પ્રમાણમાં પરિવારો તૂટી રહ્યા છે અને પારિવારિક વિવાદોનુ પ્રમાણ વધ્યુ છે તેને જોતા હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે.

ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ

Next Video