Monsoon 2022 : ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે

|

Sep 16, 2022 | 7:49 AM

રાજ્યમાં વરસાદને (Rain) લઇ હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે કે આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ બોલાવશે.

ગુજરાતમાં (Gujarat) અત્યાર સુધીમાં 110 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. હજુ પણ ચોમાસુ (Monsoon 2022) ગુજરાતના અનેક વિસ્તારોને ધમરોળી રહ્યુ છે. બીજી તરફ હવામાન વિભાગે (Meteorological department) હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી છે. તો ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે તેવી પણ માહિતી આપી છે.

બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ મેઘરાજા ફરી ગુજરાતમાં તોફાની બેટિંગ બોલાવશે. હવામાન વિભાગનું માનીયે તો આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. હવાનું હળવુ દબાણ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે માહિતી આપી છે.

રાજ્યના અનેક વિસ્તારમાં મેઘમહેર

બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારમાં મેઘમહેર થઇ રહી છે. ગુરુવારે કચ્છના રાપર, ભચાઉ, અંજાર, ભુજ, ગાંધીધામમાં વરસાદ વરસ્યો હતો. તો બેટ દ્વારકાના ઓખા અને મીઠાપુરમાં ધોધમાર વરસાદ પડયો. અમરેલીના લાઠી અને દામનગરના અમુક ગામોમાં મેઘરાજાએ જમાવટ બોલાવી. જામનગરના જામજોધપુરમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરેન્દ્રનગરના સાયલામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાતા ખેડૂતોમાં ખુશી છવાઇ છે. વલસાડમાં ભારે વરસાદથી છીપવાડ અને મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાયા છે. આ તરફ સુરતના બારડોલીમાં અનરાધાર વરસાદથી શામળિયા મોરા અને ભરવાડ વસાહતમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી. બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં બે કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો.

Published On - 7:37 am, Fri, 16 September 22

Next Video