Bhavnagar: ક્યારે પૂરું થશે કામ? ગોકળગાયની ગતિથી ચાલી રહેલા સિક્સ લેનના કામનો કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ
ભાવનગરમાં 6 લેન રોડનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે કામના વિરોધના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા 'હવન' કરવામાં આવ્યા હતા.
Bhavnagar: ભાવનગર શહેરમાં દેસાઈ નગરથી (Desai Nagar) નારી ચોકડી સુધીના રસ્તા પર ટ્રાફિક જામના કારણે લોકો પરેશાન છે. 30 કરોડના ખર્ચે બની રહેલાં સિક્સ લેનનું (Six Lane) કામ ગોકળગતિથી ચાલી રહ્યું છે. જેને લઈને શહેર કોંગ્રેસે (Congress) હવન કરી વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તાનું કામ ઝડપી પુરૂ કરવા માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, નારી ચોકડી સુધી 2 કિલોમીટરનો સિકસ લાઈન રોડ બનાવાઈ રહ્યો છે.
દાવો છે કે, આ રોડનું કામ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું અને 18 મહીનામાં કામ પૂર્ણ કરવાનો સમય નક્કી કરાયો હતો. જો કે, હજુ સુધી આ રસ્તાનું કામ પૂર્ણ થયું નથી. તો આ કામને લઈને લોકોના મનમાં અનેક સવાલ થઇ રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે ક્યારે પુરું થશે રસ્તાનું કામ? તો જ્યારે 2018માં રસ્તાનું કામ શરૂ કરાયું હતું તો 18 મહિના થયા હોવા છતાં કેમ પૂરું થયું નથી?