Rajkot Video: ધોરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય, ઠેર-ઠેર કચરો, ઉભરાતી ગટરોથી ત્રસ્ત સ્થાનિક લોકોએ પાલિકા સામે વ્યક્ત કર્યો આક્રોશ

|

Oct 05, 2023 | 1:51 PM

Rajkot: ધોરાજીમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયુ છે. શહેરમાં ઠેર-ઠેર ગટરો ઉભરાઈ રહી છે, ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળે છે પરંતુ નગરપાલિકાને કંઈ પડી જ નથી. સ્થાનિકોએ ગંદકી મુદ્દે પાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ ગાંધીજયંતિની ઉજવણી સ્વચ્છતા પખવાડા તરીકે થઈ રહી છે જ્યારે ધોરાજીમાં તેનાથી ઉલટી જ ગંગા વહી રહી છે.

Rajkot: રાજકોટનું ધોરાજી શહેર ગંદકીનું શહેર બની ગયુ છે. એક તરફ દેશભરમાં ગાંધી જયંતિની ઉજવણી આપણે સ્વચ્છતા પખવાડા તરીકે કરી રહ્યા છીએ પરંતુ ધોરાજી નગરપાલિકાને દૂર દૂર સુધી સ્વચ્છતા સાથે કંઈ લેવા દેવા જ ન હોય તેમ શહેરમાં જ્યાં જુઓ ત્યાં બસ ગંદકી અને ઉભરાતી ગટરો જ જોવા મળે છે. લોકો ધોરાજી નગરપાલિકાના વહીવટ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોએ આ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ધોરાજીના વિવિધ વિસ્તારોમાં એટલી ગંદકી ફેલાઈ છે કે રસ્તામાં ગંદકી છે કે પછી ગંદકીમાં રસ્તો એ જ ખબર નથી પડતી. ગંદકી વચ્ચે શહેરમાં અનેક પ્રકારના રોગચાળાએ માથું ઉંચક્યું છે.

આ પણ વાંચો:  અમદાવાદમાં વર્લ્ડ કપની મેચોને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો કેટલા રૂટ બંધ રહેશે અને કેટલાને અપાયું ડાયવર્ઝન

ઉલ્લેખનીય છે, ગાંધી જયંતિ નિમિતે સરકારે ઠેર-ઠેર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ કર્યા અને લોકોને સ્વચ્છતા જાળવવા સંદેશો પાઠવ્યો. છતાં ધોરાજી નગરપાલિકાના કાને આ વાત નથી પડી. પાલિકા સતત બેદરકારી દાખવી રહી છે. સ્વચ્છતાના તમામ દાવા પોકળ સાબિત થયા છે. નગરપાલિકા સફાઇની કામગીરી માત્ર કાગળ પર કરે છે. તે આ દૃશ્યો સાફ બતાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે , તંત્ર સફાઇના નામે માત્ર ફોટા પડાવે છે. સ્થાનિકોમાં નગરપાલિકા સામે રોષ છે અને સરકારને પણ ફરિયાદ કરી રહ્યા છે, કે તેમને આ ગંદકીથી મુક્તિ અપાવે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:57 pm, Tue, 3 October 23

Next Video