ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની દશા બગાડી દીધી છે. જો કે, આ માવઠાંની અસર સામાન્ય લોકો પર પણ પડવાની છે. કારણ કે બગડતા પાકને કારણે આગામી સમયમાં લોકોએ અનાજ, શાકભાજી વગેરેના વધુ પૈસા ચૂકવવા પડશે અથવા તો સિઝનેબલ ફળ-શાકભાજી માટે ખૂબ લાંબી રાહ જોવી પડશે. જો વાત કેસર કેરીની કરીએ તો આ વખતે કેરી માથે કમોસમીનો કેર વરસ્યો છે.
આ પણ વાંચો : Gujarati Video: ગીર સોમનાથમાં દેવકા નદી પ્રદૂષિત બનતા લોકોમાં રોષ, ખાનગી કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવાનો આરોપ
ગીરસોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને જંગલ બોર્ડર વિસ્તારમાં વાતાવરણે કેરીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે. 50 ટકા જેટલો પાક નાક થતાં કેરીના બજાર ભાવ પણ ઊંચા રહેશે.
આ વખતે માવઠાંમાં ભારે પવન જ નહીં, પરંતુ કરાં પણ પડા છે. જેના કારણે આંબા પરના ફ્લાવરિંગને નુકસાન થયુ છે. ઠંડા અને ભેજવાળા વાતાવરણને કારણે મોર ખરી પડ્યા છે. નાની કેરી પણ ખરી ગઈ છે. હવે ખેડૂતોને ચિંતા એ વાતની છે કે, જે કેરી વધી છે, તેનો પાક કેવો થશે ?
જેમ સૌરાષ્ટ્રની કેરીને માવઠાંનો માર સહન કરવો પડ્યો છે. તે રીતે દક્ષિણ ગુજરાતમાં પણ તેમજ દેશભરમાં વખણાતી ગણદેવીની કેસર કેરીનો સ્વાદ પણ વાતાવરણને કારણે ફિક્કો પડી શકે છે. જ્યારે આંબે મોર આવ્યા, તે જ સમયે વરસાદ આવ્યો અને કેરીના મોરનું ધોવાણ થયું હતું. કેરીના પાકને કમોસમી ઝાપટાએ બરબાદ કરી નાખ્યો હતો. આખું વર્ષ કેસરના ફળ જોવા રાહ જોતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.